'રાહુલ- ખડગેએ મારા માટે પ્રચાર ન કર્યો, મારુ ભવિષ્ય અંધારામાં..', હાર બાદ કદાવર નેતાનું દર્દ છલકાયું
Image: Facebook
Adhir Ranjan Chowdhury: પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠકથી પોતાની હારના એક દિવસ બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને 5 વખતના સાંસદ અધીર રંજન ચૌધરીએ પોતાના રાજકીય ભવિષ્યને લઈને આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હું નથી જાણતો કે હવે મારું રાજકીય ભવિષ્ય કેવું હશે. અધીર રંજને કહ્યું કે તેમને એ વાતની પણ શંકા છે કે તેમનો કપરો સમય આવવાનો છે. આ સરકાર (ટીએમસી) સાથે લડવાના પ્રયત્નમાં મે પોતાની આવકના સોર્સની ઉપેક્ષા કરી છે. હુ પોતાને બીપીએલ સાંસદ કહું છું. રાજકારણ સિવાય મારી પાસે કોઈ અન્ય હુનર નથી. તેથી આગામી દિવસોમાં મારા માટે મુશ્કેલી ઊભી થશે અને મને નથી ખબર કે તેમાંથી કેવી રીતે બહાર આવી શકાશે.
ઉલ્લેખનીય છે કે બહેરામપુર લોકસભા બેઠકથી ટીએમસી ઉમેદવાર યુસુફ પઠાણે જીત મેળવી લીધી છે જ્યારે અધીર રંજન ચૌધરી 85022 વોટથી ચૂંટણી હારી ગયા છે. એક તરફ યુસુફ પઠાણને 524516 વોટ મળ્યા તો અધીર રંજનને 439494 વોટ મળ્યા. અધીર રંજન ચૌધરીની હાર સાથે જ કોંગ્રેસે બહેરામપુર પર પોતાની રાજકીય પકડ ગુમાવી દીધી છે, જે બંગાળના અંતિમ બાકી રહેલા કોંગ્રેસના ગઢ પૈકીનો એક હતો. કોંગ્રેસે બંગાળમાં માત્ર એક માલદા દક્ષિણ બેઠક જીતી છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પોતાનું સાંસદ આવાસ ખાલી કરવા માટે દિલ્હી આવશે. તેમણે કહ્યું, મારી પુત્રી હાલ અભ્યાસ કરી રહી છે અને ક્યારેક તે પોતાના અભ્યાસ માટે દિલ્હી જાય છે. મારે ત્યાં એક નવું ઘર શોધવું પડશે, કેમ કે મારી પાસે કોઈ ઘર નથી. ચૂંટણી બાદ મમતા બેનર્જીની ઈન્ડિયા બ્લોકની સાથે નિકટતા અંગે ચૌધરીએ કહ્યું કે તેમણે ક્યારેય પણ વિપક્ષી મંચ પર ટીએમસીની હાજરી પર વાંધો વ્યક્ત કર્યો નથી પરંતુ આ વાતથી સહમત છે કે તેમણે બેનર્જીની સાથે ગઠબંધનનો વિરોધ કરતાં પાર્ટીના હાઈકમાન્ડ સામે પોતાની વાત મૂકી. અધીર રંજને રાજ્ય પીસીસી પ્રમુખ પદ પર રહેવા અંગે કહ્યું કે મે ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. હું પોતાના નેતાઓને આ પદ માટે મારા કરતા વધુ યોગ્ય કોઈ વ્યક્તિને શોધવાનો આગ્રહ કરતા પોતાનું પદ છોડવા માગતો હતો પરંતુ સોનિયા ગાંધીની વિનંતી પર મે આ નિર્ણય પાછો લીધો છે. મને અત્યાર સુધી પોતાના નેતાઓ તરફથી કોઈ ફોન આવ્યો નથી. એક વખત જ્યારે મને ફોન આવશે તો હું પોતાની ઈચ્છા પોતાની પાર્ટી સામે બીજી વખત જણાવીશ.
અધીર રંજને કહ્યું કે બહેરામપુરમાં પ્રચાર કરવા માટે કોઈ નેતાને ન મોકલવા પાર્ટીનો નિર્ણય છે અને આ વિશે તેમને કોઈ ટિપ્પણી કરવી નથી. તેમણે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મુર્શિદાબાદ પહોંચી તો અમે તેમાં ભાગ લીધો. અમારા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક વખત માલદામાં પ્રચાર કર્યો, પરંતુ બહેરામપુર ક્યારેય આવ્યા નહીં. આ અમારા કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય હતો, જે વિશે મારે કંઈ કહેવું નથી.
ચૂંટણી બાદ હિંસા અને તૃણમુલ તરફથી રાજ્યમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર હુમલાની ગંભીર શંકા વ્યક્ત કરતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીને પોતાના સમર્થકોની સુરક્ષા કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે તેમણે બંગાળ જીતી લીધું છે, હવે અમારા કાર્યકર્તાઓને નિશાન બનાવવાનો શું અર્થ છે? મને તમારો વિરોધ કરવા બદલ જેટલો ઈચ્છો તેટલો દંડિત કરો પરંતુ મારા કાર્યકર્તાઓને છોડી દો.