રઘુરામ રાજન રાજનેતા બની ગયા છે...', પૂર્વ RBI ગવર્નર વિશે અશ્વિની વૈષ્ણવે કેમ આવું નિવેદન આપ્યું?
સારા અર્થશાસ્ત્રીઓ રાજકારણી બને છે, ત્યારે તેઓ તેમની આર્થિક સમજ ગુમાવે : અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રઘુરામ રાજને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને એવા રાજકારણી ગણાવ્યા હતા જેઓ પાછળથી કોઈ બીજા તરફથી નિવેદનો આપી રહ્યા છે. વૈષ્ણવની આ ટિપ્પણી રાજનના તે કથિત નિવેદનને લઈને હતી જેમાં RBI ગર્વનરે કહ્યું હતું કે ભારત પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતું નથી, પરંતુ માત્ર તેને એસેમ્બલ કરી રહ્યું છે.
પાછળથી વાર કરવું તે સારી બાબત નથી : અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું હતું કે જ્યારે સારા અર્થશાસ્ત્રીઓ રાજકારણી બને છે, ત્યારે તેઓ તેમની આર્થિક સમજ ગુમાવે છે. રઘુરામ રાજન રાજકારણી બની ગયા છે. હવે, તેઓએ ખુલ્લેઆમ બહાર આવીને ચૂંટણી લડવી જોઈએ અને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. પાછળથી વાર કરવું તે સારી બાબત નથી. તે કોઈ બીજા વતી પાછળથી વાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી બે વર્ષમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં 30 ટકાથી વધુ વૃદ્ધિ હાંસલ કરશે. આ સિવાય ત્રણ કંપનીઓ ટૂંક સમયમાં વિશ્વ માટે મહત્વપૂર્ણ મોબાઈલ ફોનના ઘટકોનું ઉત્પાદન કરશે.
રાજન એક કુશળ અર્થશાસ્ત્રી
તેણે કટાક્ષ કર્યો હતો કે રાજન ખૂબ જ કુશળ અર્થશાસ્ત્રી છે. મારી તેમને વિનંતી છે કે તેઓ અર્થશાસ્ત્રી બને અથવા રાજકારણી બને. તમને જણાવી દઈએ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી કોંગ્રેસની દેશવ્યાપી ભારત જોડો યાત્રા દરમિયાન RBIના પૂર્વ ગવર્નર રાજન થોડા સમય માટે રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હતા. આ દેશવ્યાપી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વરિષ્ઠ અર્થશાસ્ત્રીનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો.