AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ઝટકો, ખાલી કરવો પડશે સરકારી બંગલો, કોર્ટે કર્યો આદેશ

પટિયાલા હાઉસ કોર્ટે રાજ્યસભા સચિવાલયની બંગલો ખાલી કરાવવાની નોટિસને યોગ્ય ઠેરવી

ભુલ સામે આવ્યા બાદ રાજ્યસભા સચિવાલયે ચઢ્ઢાને બંગલો ખાલી કરાવવા નોટીસ આપી હતી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ઝટકો, ખાલી કરવો પડશે સરકારી બંગલો, કોર્ટે કર્યો આદેશ 1 - image

નવી દિલ્હી, તા.06 ઓક્ટોબર-2023, શુક્રવાર

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ને દિલ્હીની કોર્ટો મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ કર્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) પોતાના તે આદેશને પરત ખેંચ્યો હતો, જેમાં રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરાવવા રાજ્યસભા સચિવાલયને આદેશ અપાયો હતો. જોકે ત્યારબાદ સચિવાલયે કોર્ટના આદેશને પડકારી ફરી અરજી કરી વિવિધ પુરાવાઓ અને નિયમો રજુ કર્યા હતા, જેને ધ્યાને રાખી કોર્ટે આજે સુનાવણી હાથ ધરી આદેશ આપતા કહ્યું કે, બંગલાની ફાળવણી રદ થયા બાદ રાઘવ ચઢ્ઢા પાસે તે બંગલામાં રહેવા માટેનું કોઈ કારણ રહેતું નથી. રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સાંસદ હોવાનું કારણ ધરી કાર્યકાળ પૂર્ણ થવા સુધી તે બંગલામાં રહેવાનો અધિકાર હોવાનો દાવો ન કરી શકે.

‘રાઘવ ચઢ્ઢા બંગલા માટે અધિકૃત નથી’

રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં સાંસદ બન્યા બાદ દિલ્હીના પંડારા રોડ સ્થિત ટાઈપ-7નો બંગલો ફાળવી દેવાયો હતો, જોકે બાદમાં ધ્યાને આવ્યું કે, પ્રથમવાર સાંસદ બનેલા રાઘવ ચઢ્ઢા તે બંગલા માટે અધિકૃત નથી, નિયમ મુજબ પ્રથમવાર સાંસદ બનેલા નેતાઓને સરકારી ફ્લેટ ફાળવવામાં આવે છે.

સચિવાલયે ભુલથી બંગલો ફાળવી દીધો

પોતાની ભુલ સામે આવ્યા બાદ રાજ્યસભા સચિવાલયે બંગલો ખાલી કરાવવા નોટીસ આપી હતી, જેને રાઘવ ચઢ્ઢાએ કોર્ટમાં પડકારી કહ્યું કે, એકવાર સાંસદ હોવા તરીકે તેમને નિવાસ સ્થાન ફાળવી દેવાયું છે, જેથી સાંસદ હોવાના કારણે તે બંગલો ખાલી ન કરાવી શકાય.

કોર્ટે આદેશમાં શું કહ્યું ?

કોર્ટે આદેશમાં કહ્યું કે, અરજદાર (રાઘવ ચઢ્ઢા) રાજ્યસભા સાંસદ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન બંગલામાં રહેવાનો અધિકાર હોવાનો દાવો ન કરી શકે. જો તેમને બંગલાની ફાળવણી રદ થઈ જાય તો તેમણે ખાલી કરવો પડશે. રાજ્યસભા સચિવાલયના વકીલે દલીલ કરી હતી કે, રાજ્યસભા સાંસદ હોવાના કારણે રાઘવ ચઢ્ઢાને ટાઈપ-7 નહીં પણ ટાઈપ 6 બંગલો ફાળવવાનો અધિકાર છે, 

કોર્ટે ચઢ્ઢાને સચિવાલયની નોટિસ યોગ્ય ઠેરવી

કોર્ટે રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવાના મામલામાં લાદવામાં આવેલ વચગાળાનો સ્ટે હટાવી દીધો છે. પટિયાલા હાઉસ કોર્ટે રાજ્યસભા સચિવાલયની બંગલો ખાલી કરાવવાની નોટિસને યોગ્ય ઠેરવી છે. પટિયાલા કોર્ટે કહ્યું કે, રાઘવ ચઢ્ઢા પાસે ટાઈપ-7 બંગલામાં રહેવાનું કોઈ યોગ્ય કારણ નથી, કારણ કે તે માત્ર તેમને એક સાંસદ તરીકે અપાયેલ વિશેષાધિકાર હતો.


Google NewsGoogle News