કેરળમાં રેગિંગ : વિદ્યાર્થીઓને નગ્ન કરીને પ્રાઇવેટ પાર્ટ પર ડમ્બેલ બાંધ્યા
- સરકારી નર્સિંગ કોલેજની ક્રૂર ઘટના, પાંચ વિદ્યાર્થી સસ્પેન્ડ
- પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી રવિવારે દારુ માટે રૂપિયા ઉઘરાવાતા, ના આપે તો ઢોર માર મરાતો હતો
- ગયા વર્ષે દેશમાં રેગિંગની 800 ફરિયાદો જેમાંથી 222 મેડિકલ અને 230 એન્જિનિયરિંગ કોલેજોની
નવી દિલ્હી : દેશમાં વિવિધ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે જોકે કેરળમાં અત્યંત ક્રૂર રીતે રેગિંગ કરાયાની ઘટના સામે આવી છે. કેરળના કોટ્ટાયમ સ્થિત સરકારી નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું, આ રેગિંગ ઘાતક ગુના જેવુ છે. આરોપીઓએ વિદ્યાર્થીઓને નગ્ન કરીને તેના હાથપગ બાંધીને પ્રાઇવેટ પાર્ટ પર ડમ્બેલ લટકાવ્યા હતા.
રેગિંગથી કંટાળીને અંતે પીડિત વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી, જેમાં તેમણે રેગિંગ દરમિયાન અત્યાચારના અનેક ખુલાસા કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદ મુજબ પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓ અવારનવાર પરેશાન કરતા હતા, તેમની પાસે રવિવારે દારુ પીવા માટે રૂપિયા માગતા હતા. કુલ ત્રણ વિદ્યાર્થીઓની ફરિયાદ મળી છે જેમાં થયેલા ખુલાસા ચોંકાવનારા છે.
આ વિદ્યાર્થીઓએ ખુલાસો કર્યો હતો કે સેમ્યુઅલ જોનસન, રાહુલ રાજ, જીવ, રિજિત અને વીવેક ૧૮થી ૨૧ વર્ષના આ વિદ્યાર્થીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું, જેમાં કસરતમાં ઉપયોગમાં લેવાતા ડમ્બેલ્સ પ્રાઇવેટ પાર્ટ પર બાંધ્યા, વિદ્યાર્થીઓને નગ્ન કરીને ઉભા રાખવામાં આવતા હતા, કમ્પાસના ઘાતક ઓજારોથી ઘાવ પાડવામાં આવતા હતા, શરીર પર ચહેરા પર તેમજ આ ઘાવ પર લોશન અને ક્રીમ લગાવતા હતા, આ રેગિંગ આશરે ત્રણ મહિના સુધી ચાલી હતી.
સમગ્ર મામલો બહાર આવ્યા બાદ કોલેજે આરોપી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે પોલીસે રેગિંગ વિરોધી કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરીને આરોપી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. કોલેજે દાવો કર્યો હતો કે પીડિત વિદ્યાર્થીઓએ હોસ્ટેલના વોર્ડન, પ્રશાસન, માતા પિતા સમક્ષ ખુલાસો નહોતો કર્યો. દરમિયાન દેશભરમાં રેગિંગના આંકડા મુજબ ગયા વર્ષે યુજીસીના એન્ટિ રેગિંગ સેલને કુલ ૮૦૦ ફરિયાદો મળી હતી, જેમાંથી ૨૨૨ ફરિયાદો મેડિકલ કોલેજની અને ૨૩૦ ફરિયાદો એન્જિનિયરિંગ કોલેજોની છે. દેશમાં મેડિકલ કોલેજો ૭૦૦ છે જ્યારે એન્જિનિયરિંગ કોલેજો ૮ હજારથી પણ વધુ છે.