રાયબરેલીમાં રાહુલ ગાંધી સામે લડતા ભાજપ ઉમેદવારને પક્ષના જ બે દિગ્ગજોની નારાજગી જ ભારે પડશે?
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે 20મીએ પાંચમાં તબક્કાનું મતદાન થવાનું છે. આ દરમિયાન ગાંધી પરિવારનો ગઢ ગણાતી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પર ભાજપની વ્યૂહનીતિ નિરર્થક જણાઈ રહી છે. આ વખતે સોનિયા ગાંધીએ ચૂંટણી લડવાની ના પાડી હોવાના કારણે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ભાજપે દિનેશ પ્રતાપ સિંહને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.
ભાજપની વ્યૂહનીતિ ગૂંચવાઈ
રાયબરેલી બેઠકથી રાહુલ ગાંધીને હરાવવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભાજપની વ્યૂહનીતિ ગૂંચવાઈ ગઈ છે. ભાજપ દ્વારા રાયબરેલીના કદાવર નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ વખતે ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. વર્ષ 2019માં દિનેશ પ્રતાપ સિંહે ભાજપની ટિકિટ પર સોનિયા ગાંધીને ટક્કર આપી હતી. ત્યારથી ભાજપે મજબૂત સ્થાનિક નેતાઓને પક્ષમાં જોડવાનું ચાલુ રાખ્યું. પરંતુ રાહુલ ગાંધીને ટક્કર આપવા માટે ભાજપે જે ઉમેદવારની વરણી કરી છે તેના કારણે શાસક પક્ષની સ્થાનિક છાવણીમાં થોડો અસંતોષ ફેલાયો છે. જેના કારણે ભાજપ માટે તેની મંઝિલ મુશ્કેલ બની રહી છે.
કદાવર નેતા ભાજપમાં જોડાયા
ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠકથી કોંગ્રેસને હરાવવા માટે ભાજપને પહેલા રાહુલ અને સોનિયા ગાંધીના નજીકના લોકોને તોડવા જરૂરી હતા. જેમાં સૌથી પહેલા દિનેશ પ્રતાપ સિંહને ભાજપમાં લાવવામાં આવ્યા હતા. દિનેશ સિંહનો આખો પરિવાર સ્થાનિક રાજકારણમાં છે. તેમના એક ભાઈ ધારાસભ્ય રહી ચૂક્યા છે. એક ભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પણ છે. એવું કહેવાય છે કે તેમના નિવાસસ્થાન પંચવટીથી સમગ્ર જિલ્લાની રાજનીતિ નિયંત્રિત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાયબરેલીમાં અખિલેશ સિંહનું નામ લોકપ્રિય હતું. તેઓ સાત વખતના ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને સ્થાનિક રાજકારણમાં તેમનું પ્રભુત્વ હતું. આ બંને નેતાઓ સોનિયા ગાંધીને વફાદાર હતા.
અખિલેશ સિંહના નિધન પછી તેમની દીકરી અદિતિ સિંહે કાર્યભાર સંભાળ્યો અને તે પહેલા રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, પરંતુ હવે ભાજપમાં છે. આ પહેલા ભાજપે દિનેશ પ્રતાપ સિંહને પક્ષમાં સામેલ કરીને તેમને સોનિયા સામે ચૂંટણી લડાવ્યા હતા. તેઓ ચૂંટણી હારી ગયા પરંતુ તેમણે જોરદાર ટક્કર આપી હોવાથી ઈનામ તરીકે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં સ્થાન પણ આપવામાં આવ્યું. ભાજપ દ્વારા દિનેશ પ્રતાપ સિંહને અમેઠી મોડ્યુલ પર કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
રાયબરેલી બેઠક પર સૌથી વધુ બ્રાહ્મણ મતદારો છે
ભાજપ માટે રાયબરેલી બેઠક જીતવી હજુ પણ મુશ્કેલ હતી. કારણ કે રાયબરેલીમાં જાતિનું ગણિત સંતુલિત નહોતું. આ બેઠક પર સૌથી વધુ બ્રાહ્મણ મતદારો છે. અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં 11 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણ મતદારો છે. બ્રાહ્મણો કોંગ્રેસના મતદારો હોવાથી ભાજપ માટે આ સૌથી મોટી ચિંતાનો વિષય હતો. આનો સામનો કરવા માટે ભાજપે રાજ્યના સૌથી અગ્રણી બ્રાહ્મણ નેતા, ઉંચાહરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડે પર દાવ લગાવ્યો. મનોજ પાંડે સમાજવાદી પાર્ટીમાં બ્રાહ્મણ ચહેરા તરીકે જાણીતા છે. તેથી જ સમાજવાદી પાર્ટીએ તેમને વિધાનસભામાં વ્હીપ તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપી હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે તેમને પોતાની છાવણીમાં સામેલ કર્યા હતા. હાલમાં મનોજ પાંડે ટેકનિકલી હજુ પણ સમાજવાદી પાર્ટીમાં છે.
શું અદિતિ સિંહ અને મનોજ પાંડે નારાજ છે?
અહેવાલો અનુસાર, રાયબરેલીના સદરથી ભાજપના ધારાસભ્ય અદિતિ સિંહ અને મનોજ કુમાર પાંડે તેમના મતવિસ્તારમાં દિનેશ પ્રતાપ સિંહ માટે પ્રચાર કરવા માટે અનિચ્છા ધરાવે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગૃહમંત્રી અમિત શાહે રાયબરેલી મુલાકાત દરમિયાન બંનેને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. મનોજ પાંડેની નારાજગીનું મુખ્ય કારણ તેમને રાયબરેલી બેઠક પરથી ભાજપની ટિકિટ મળવાની આશા હતી. પરંતુ તે થયું નહી.
બીજી તરફ રાયબરેલી સદરના ધારાસભ્ય અદિતિ સિંહ પણ પાર્ટીના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ માટે પ્રચાર કરતી જોવા મળી નથી. સ્વાભાવિક છે કે આની સીધી અસર ભાજપને મળેલા મતો પર પડી શકે છે. હકીકતમાં, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અદિતિ સિંહે આરોપ લગાવ્યો હતો કે તેમની કાર પર દિનેશ પ્રતાપ સિંહના ભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપમાં જોડાયા અને પાર્ટીની ટિકિટ પર 2022ની ચૂંટણી જીત્યા પછી પણ દિનેશ સાથેના તેમના મતભેદો દૂર થઈ શક્યા નથી.