જાણીતી રેડિયો જોકી સિમરને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત, પરિવાર આઘાતમાં
RJ Simran Singh: હરિયાણાના ગુરુગ્રામમાં જાણીતી આર જે (રેડિયો જોકી) અને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર સિમરન સિંહે ગુરૂગ્રામના એના ફલેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેનો મૃતદેહ બુધવારે (25મી ડિસેમ્બર) રાત્રે પંખા પરથી લટકતી હાલતમાં મળ્યો હતો. જો કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. સિમરન મૂળ જમ્મુ-કાશ્મીરની હતી. હાલમાં તે તેના કેટલાક મિત્રો સાથે ગુરુગ્રામના સેક્ટર-47માં ભાડાના મકાનમાં રહેતી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
સિમરન મિત્રો સાથે ભાડે રહેતી હતી
પોલીસના જણાઅનુસાર, 26મી વર્ષીય સિમરન સિંહ છેલ્લા ઘણાં મહિનાઓથી અન્ય મિત્રો સાથે સેક્ટર 47ની કોઠી નંબર 58માં ભાડે રહેતી હતી. બુધવારે રાત્રે તે રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ અંગે સિમરન સિંહના મિત્રએ માહિતી આપી હતી.
આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરિવારજનોએ જણાવ્યું હતું કે તેણી છેલ્લા કેટલાક સમયથી કોઈ વાતને લઈને ચિંતિત હતી.
ઈન્સ્ટાગ્રામ પર 6.82 લાખ ફોલોઅર્સ
સિમરન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ હતા. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 6.82 લાખ ફોલોઅર્સ છે. તેને 'હાર્ટબીટ ઓફ જમ્મુ' તરીકે પણ ઓળખવામાં આવતું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સિમરને છેલ્લે 13મી ડિસેમ્બરે રીલ પોસ્ટ કરી હતી.