ક્વોટાની અંદર ક્વોટા મોદી સરકાર માટે સળગતું લાકડું, નીતિશ-નાયડુ માથાનો દુઃખાવો બની શકે

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
ક્વોટાની અંદર ક્વોટા મોદી સરકાર માટે સળગતું લાકડું, નીતિશ-નાયડુ માથાનો દુઃખાવો બની શકે 1 - image


- પીએમ મોદી હવે જાતિ આધારિત વસતી ગણતરી નહિ કરાવે તો નીતિશ, નાયડુ આડા ફાટશે

- સુપ્રીમે એસસી, એસટીમાં ક્રિમીલેયર નક્કી કરવાનું રાજ્ય સરકારો પાસે છોડયું પણ રાજ્યો પાસે તે માટે જરૂરી ડેટા નથી, તે જાતિ આધારિત વસતી ગણતરીના આધારે જ મળી શકે

- ડેટા મળ્યા પછી પણ આર્થિક અને સામાજિક પછાતપણું નક્કી કરવાનું બહુ અઘરું હોવાથી રાજ્યોમાં સ્થિતિ વણસશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના  સાત ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે છ વિરુદ્ધ એકના મતે એક શકવર્તી ચુકાદો આપીને શિડયૂલ્ડ કાસ્ટ અને શિડ્યૂલ્ડ ટ્રાઈબના અનામત ક્વોટાની અંદર સબ ક્વોટા રાખવાની મંજૂરી આપી દીધી છે અને રાજ્યોને એસસી તથા એસટી અનામતમાં ક્રિમી લેયર નક્કી કરવાના માપદંડો રચવા જણાવ્યું છે. આ ચુકાદાના અનેક રાજકીય અને સામાજિક દુરોગામી પરિણામો આવી શકે તેમ છે. 

આ ચુકાદાનો યથાર્થ અમલ કરવો હોય તો રાજ્યો પાસે તમામ જાતિઓના ઈમ્પિરિકલ ડેટા જોઈશે અને આવા પ્રમાણભૂત ડેટા માટે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવી પડે તેમ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર  છેલ્લાં ત્રણ વર્ષથી દેશની વસતી ગણતરી કરાવવાનું ટાળી રહી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી જાતિ આધારિત વસતી ગણતરીની માંગ બુલંદ બનતી જાય છે અને જો જાતિ આધારિત વસતી ગણતરી ન કરાવે તો નીતિશ કુમાર જેવા સાથીઓ આડા ફાટે  તેવા સંજોગોમાં મોદી સરકારની સ્થિરતા જોખમાઈ જાય તેમ છે. બીજી તરફ જાતિ આધારિત વસતી ગણતરી થાય તો અનામત ઉપરાતં સરકારી લાભોના તમામ સમીકરણો બદલાઈ જાય તેમ છે અને તેના કારણે વંચિતો અને પ્રાપ્તકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય તેવી શક્યતા  છે. આ ઉપરાંત ભાજપના હિંદુત્વના મુદ્દાનું પણ આ ઘર્ષણના કારણે ફિંડલું વળી જાય તેમ છે. 

 ભારતમાં જાતિ વ્યવસ્થા અતિશય સંકુલ છે અને બાર ગાઉએ બોલી બદલાય તેમ જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી જાતિઓનો સામાજિક દરજ્જો બદલાય છે. અત્યાર સુધી એસસી એટલે તેના હેઠળ આવતી તમામ ૧૨૦૦ જાતિઆનો એક જ સરખો દરજ્જો ગણાતો હતો. પરંતુ, વાસ્તવમાં પછાત વર્ગોમાં પણ જાતિ વ્યવસ્થાનાં લેયર્સ છે. એટલે કે એક પછાત જાતિના લોકો પાછા અન્ય પછાત જાતિને તેમના કરતાં ઉતરતી કક્ષાના ગણે છે. વળી, એક પ્રદેશમાં એક જાતિ પછાત ગણાતી હોય તે વળી બીજા પ્રદેશમાં તેનો સામાજિક દરજ્જો ઉચ્ચ કે ઉતરતી કક્ષાનો હોય તેવું પણ બને છે. ક્રિમી લેયર નક્કી કરવું વધારે કડાકૂટવાળું કામ છે કારણ કે પછાત  વર્ગના કોઈ વ્યક્તિ પાસે આર્થિક સંપત્તિ વધે તેટલા માત્રથી તે સામાજિક વ્યવસ્થામાં ઉપલા ક્રમે પહોંચી જતો નથી. અન્ય જ્ઞાાતિના લોકો તો તેની સાથે પછાત જેવો જ વ્યવહાય કરે છે. 

સુપ્રીમ કોર્ટે જોકે પોતાના ચુકાદામાં સોઈ ઝાટકીને કહ્યું છે કે ક્રિમી લેયરના આધારે અનામતના લાભોની ગણતરી અલગ રીતે થવી જ જોઈએ.  સુપ્રીમ  કોર્ટે પોતાનો જ દાખલો આપતાં કહ્યુ ંછે કે સુપ્રીમ કોર્ટના પછાત વર્ગના કોઈ જજનો દીકરો દિલ્હીની પોશ કોલેજમાં ભણતો હોય અને તે જ જ્ઞાાતિના અન્ય પછાત વ્યક્તિનો દીકરો ક્યાંક તાલુકા લેવલની સાદી કોલેજમાં ભણતો હોય તો એ બંને એકસરખી રીતે પછાત ગણાય નહીં. પછાતપણાંના લાભોની બાબતે બંનેને એક લાકડીએ હાંકી શકાય નહીં. 

ભારતમાં પછાત વર્ગની અંદરોઅંદર જ ભિન્નતાનાં આવાં એક કરતાં અનેક ઉદાહરણો છે. બિહારે એક સર્વે કરાવ્યો તો ખબર પડી કે દર દસ હજારની વસતીએ ધોબી સમાજમાં ૧૨૪ છોકરાઓ અનુસ્નાતક સુધી ભણ્યા છે જ્યારે દુષાદ જાતિમાં માત્ર ૪૫ છોકરા અનુસ્નાતકના સ્તરે પહોંચ્યા છે જ્યારે અતિશય પછાત ગણાતી મુસહર જાતિમાં તો એક જ છોકરો આટલું શિક્ષણ મેળવી ચૂક્યો છે. આવું જ આંધ્ર પ્રદેશમા ંછે. અહીં તટીય વિસ્તારોમાં રહેતા માલા જાતિના લોકોને બ્રિટિશ કાળથી સારું શિક્ષણ વગેરે મળ્યા એટલે તેઓ શૈક્ષણિક-આર્થિક રીતે વધારે સમૃદ્ધ છે જ્યારે બીજી પછાત જાતિ મડીગાના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહ્યા હોવાથી શરુઆતથી જ તેમની જોઈએ તેવી આર્થિક- સામાજિક ઉન્નતિ થઈ જ નથી. એ જ રીતે યુપીમાં ચમાર જ્ઞાાતિના લોકો પછાત ગણાય પરંતુ કાનપુર તથા આસપાસના વિસ્તારોના ચમાર જ્ઞાાતિના વ્યવસાયિકોને બ્રિટિશ કાળમાં સેના માટે બૂટ બનાવવાના ઓર્ડર મળ્યા અને તે પછી અહીં ચર્મ ઉદ્યોગ વિકસ્યો તેના કારણે ચમાર જ્ઞાાતિના કેટલાય લોકો ઠીક ઠીક સંપન્નતા ધરાવે છે. ભારતમાં પછાત અને બિન પછાત એમ  બહુ સરળ ભેદ કરી શકાય તેમ જ નથી. 

પંજાબ જેવાં રાજ્યએ તો છેક ૧૯૭૫થી ક્વોટાની અંદર ક્વોટા હોવો જોઈએ તેવી વકીલાત કરેલી જ છે. જ્ઞાાની ઝૈલસિંહ જ્યારે પંજાબના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ એસસીની અંદર જ વાલ્મિકી સમુદાય તથા મઝહબી શીખો માટે ૫૦ ટકા પેટા અનામત લઈ આવ્યા હતા. તેમના પછી આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણાએ પણ પેટા ક્વોટાનો અમલ કરવા પ્રયાસ  કર્યો છે. જોકે, ખુદ સુપ્રીમ કોર્ટે જ ૨૦૦૪માં એક ચુકાદામાં આવા પેટા ક્વોટાને ગેરકાયદે ગણાવી આ તમામ પ્રયાસોને ધૂળધાણી કરી દીધા હતા. હવે વાસ્તવમાં ૨૦ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટાવ્યો છે. તેના કારણે ક્વોટાની અંદર ક્વોટાની હિલચાલ ફરી તેજ થવાની છે એ નક્કી છે. તેલંગણા રાજ્યએ તો પોતે સૌથી પહેલાં જ ક્વોટાની અંદર ક્વોટાનો અમલ કરશે તેવી જાહેરાત કરી દીધી છે. ટૂંક સમયમાં આંધ્ર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, કર્ણાટક,  જેવાં રાજ્યો આ હોડમાં સામેલ થશે જ એ પણ સ્પષ્ટ છે. 

જોકે, સંખ્યાબંધ નિષ્ણાતા માને છે કે  જુદાં જુદાં રાજ્યોના મુખ્યપ્રધાનો પણ રાજકીય કારણોસર આવી જાહેરાતો કરી રહ્યા હોય પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ક્વોટાની અંદર ક્વોટા નક્કી કરવો હોય તો એસસી અને એસટીની અંદર પણ દરેક જ્ઞાાતિઓનો એકદમ સચોટ ડેટા જોઈએ. કોની કેટલી વસતી છે, કોની કેવી આર્થિક સમૃદ્ધિ છે, શિક્ષણનું સ્તર શું છે,  વ્યવસાયિક હાલત કેવી છે, સામાજિક પરિસ્થિતિ કેવી છે, કેટલી જમીનો છે, સામાજિક દરજ્જો શું છે વગેરે તમામ ઝીણી ઝીણી બાબતોનો વિશદ ડેટા અનિવાર્ય છે. રાજ્યો પાસે આવો કોઈ ડેટા  નથી. આવા ડેટાના અભાવે રાજ્યો જ્યારે પણ અનામત બાબતે કોઈ નિર્ણય કરવા જાય છે ત્યારે વિવાદ સર્જાય છે.

અહીં જ મોદી સરકારની આકરી કસોટી શરુ થાય છે. મોદી સરકાર શરુઆતથી જ  જાતિ આધારિત વસતી ગણતરી કરવા ઈચ્છૂક નથી. હાલ મોદી સરકારના અસ્તિત્વના મહત્વના આધારસ્થંભ સમાન નીતિશ કુમાર તો વર્ષોથી જાતિ આધારિત વસતી ગણતરીના મોટા પક્ષકાર રહ્યા છે. મહારાષ્ટ્રમાં  મોદીએ નવા નવા પાંખમાં લીધેલા અજિત પવાર પણ જાતિ આધારિત વસતી ગણતરીને સમર્થન આપી ચૂક્યા છે. મોટાભાગના વિપક્ષો જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરી રહ્યા છે. પરંતુ, જાતિ આધારિત વસતી ગણતરી કરવા જતાં ભાજપના તમામ હિંદુઓને રાજકીય રીતે એક કરવાનાં સપના  પર પાણી ફરી વળે તેમ છે. વધુમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવા જતાં અનેક જાતિઓની ડેમોગ્રાફિક પ્રોફાઈલ બદલાઈ જાય તેમ છે. તેના આધારે શક્ય છે કે જુદી જુદી જાતિઓને મળતા અનામતના લાભોમાં વધારા ઘટાડા પણ કરવા પડે. કેટલીક જાતિઓ રાજકીય રીતે મજબૂત ગણાય છે પરંતુ તેમના રાજકીય વર્ચસ્વનું ચિત્ર આ વસતી ગણતરી પછી બદલાઈ પણ શકે છે.  જો જાતિ આધારિત વસતી ગણતરી કરીને તે પછી સુપ્રીમના ચુકાદા અનુસાર ક્વોટાની અંદર ક્વોટાના નિર્ણયો થવા માંડે તો સ્વાભાવિક રીતે જ જે પેટા જાતિનો અનામતના લાભોનો ક્વોટા ઘટશે તેઓ રોડ પર ઉતરશે જ. જેમકે,મહારાષ્ટ્રમાં તાજેતરમા ંએકનાથ શિંદે સરકારે મરાઠાઓને ઓબીસી અનામતનો લાભ આપવાનું નક્કી કર્યું  તેનાથી ઓબીસીસમુદાય ભડકી ઉઠયો છે અને તેમને પોતાના ક્વોટામાં ભાગ પડશે તેવો ડર સતાવી રહ્યો છે.  રાજ્યમાં અનેક વિસ્તારોમાં મરાઠાઓ પછાતપણું ધરાવે છે એ સાચી વાત છે પરંતુ મરાઠાઓ કરતાં પણ અનેક ઓબીસી સમુદાયો વધારે પછાત છે એ પણ સાચી વાત છે. મરાઠા ખરેખર કેટલા પછાત છે તે નક્કી કરવા માટે સરકાર પાસે એકદમ સર્વગ્રાહી ડેટા હોવો જોઈએ અને તેવો જ ડેટા ઓબીસીનો પણ હોવો જોઈએ. આ ડેટા જાતિ આધારિત વસતી ગણતરી સિવાય મળવો શક્ય નથી. અને તે ડેટા મળી જાય તે પછી પણ તેના આધારે કોઈ જાતિના લાભ ઓછા કરવા કે વધારવાનું કામ રાજકીય રીતે ભારે સ્ફોટક બની શકે તેમ  છે. 

દેશની છેલ્લી વસતી ગણતરી ૨૦૧૧માં થઈ હતી. તે પછી ૨૦૨૧માં વસતી ગણતરી થવી જોઈતી હતી. તે વખતે તો મોદી સરકારે અત્યારે કોવિડનો સમય ચાલે છે તેમ કહીને વસતી ગણતરીનું ફિંડલું વાળી દીધું હતું પરંતુ, હવે વસતી ગણતરીમાં વધારે વિલંબ માટે સરકાર પાસે  કોઈ હાથવગું બહાનું રહ્યું નથી.  સમગ્ર દેશના ૯૬ કરોડ મતદારોને આવરી લેતી લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ ચૂકી હોય તો હવે કોવિડ કે અન્ય કોઈ બહાના દ્વારા વસતી ગણતરીને ટાળી શકાય નહીં. પણ મોદી સરકાર જાતિ આધારિત વસતી ગણતરી ટાળીને નીતિશ જેવા  સાથીઓને નાખુશ કરી પોતાની સત્તા જોખમમાં મૂકી શકે  તેમ પણ નથી. પણ હવે સુપ્રીમના ચુકાદા પછી નીતિશ,  ચન્દ્રાબાબુ નાયડુ સહિતના નેતાઓ જાતિ આધારિત વસતી ગણતરીની માંગ બુલંદ બનાવશે. મહારાષ્ટ્ર  તથા હરિયાણાની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં જાતિ પરિબળ બહુ નિર્ણાયક સાબિત થવાનું છે તેવા સમયે ભાજપ સરકારે કોઈ જાતિ નાખુશ ન થાય તેવો નિર્ણય સમયસર લેવો પડશે. આવનારા મહિનાઓમાં આ મુદ્દે અનેક રાજકીય ઘટનાક્રમો  સર્જાશે. સંખ્યાબંધ રાજ્યોમાં નવેસરથી અનામત આંદોલનોની અગનઝાળ પણ પ્રસરી શકે છે. કેટલાંય રાજકીય પરિમાણો પણ બદલાઈ શકે છે. મોદી સરકારની મજબૂરી એ છે કે તેની પાસે ૨૦૧૪થી ૨૦૧૯ જેવો નિર્ણાયક મેન્ડેટ નથી. સાથીઓને પૂછીને પાણી પીવું પડે તેવી હાલત ધરાવતી સરકાર હવે કેવાક અઘરા નિર્ણયો લઈ શકે છે તે જોવાનું રહે છે. 


Google NewsGoogle News