યુવા દેશના મહત્તમ પ્રતિનિધિ ઘરડાં કેમ? રાજ્યસભામાં ઊઠ્યો સવાલ, આપ્યું આવું સૂચન

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Raghav Chadha


MP Raghav Chadha Asked Questions In The Rajya Sabha : છેલ્લાં થોડા સમયથી અમેરિકાના પ્રમુખ જો બાઇડન ચર્ચામાં રહ્યા છે. ચર્ચા એમની રાજકીય નીતિઓ બાબતની નથી, પણ એમની વયને લગતી છે. 81 વર્ષના બાઇડન પર વધતી વય એટલી હદે સવાર થઈ ગઈ છે કે તેઓ બોલવામાં ભાંગરો વાટે છે અને લોકોને ઓળખવામાં પણ થાપ ખાઈ જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ડિબેટમાં એમણે જબરા લોચા વાળેલા એ આખી દુનિયાએ જોયું. વધતી વયને કારણે ઊભી થયેલી આવી સમસ્યાઓને કારણે એમના પર પ્રમુખ પદની સ્પર્ધામાંથી ખસી જવાનું દબાણ આવ્યું. શરુઆતમાં ખાસ્સી આનાકાની કર્યા બાદ આખરે એમને ઘૂંટણ ટેકવી દેવા પડ્યા. સ્વેચ્છાએ ગાદી ન છોડનાર રાજકારણીને ધરાર મજબૂર કરીને ઘરે બેસાડી દેવાયા હોય, એવો આ કંઈ પહેલો કિસ્સો નથી. સત્તાના મોહમાં ચીટકુ બની બેઠેલા આવા નેતાઓ ભારત સહિત દુનિયાભરના દેશોમાં જોવા મળે છે.

કોણે મુદ્દો છેડ્યો?

રાજકારણીઓની ઉંમરના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે ગૃહમાં મહત્ત્વનો મુદ્દો છેડ્યો હતો. પંજાબ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના સૌથી યુવા સાંસદે કહ્યું હતું કે, ‘ભારત જેવા ‘યુવા’ દેશમાં મોટાભાગના રાજકારણીઓ વયોવૃદ્ધ કેમ છે? દેશના નાગરિકોની એવરેજ વય 29 વર્ષ છે, દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે અને 50 ટકા વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે. આવા માહોલમાં યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ આટલું ઓછું કેમ છે?’

રાઘવ ચઢ્ઢાએ આંકડાંં આપતાં કહ્યું હતું કે, ‘જેમ જેમ દેશ યુવા થતો જાય છે તેમ તેમ દેશમાં ઘરડાં નેતાઓનું પ્રતિનિધિત્વ વધતું જાય છે. દેશ આઝાદ થયો ત્યારે બનેલી પહેલી લોકસભામાં 26 ટકા સાંસદ 40 વર્ષથી ઓછી વયના હતા, 17મી લોકસભામાં ફક્ત 12 ટકા સાંસદ 40 વર્ષથી ઓછી વયના છે. દેશની મહત્તમ વસતી યુવા હોય ત્યારે આવી અસમાનતા શા માટે?’

રાજકારણ એ ખરાબ ક્ષેત્ર છે? 

પોતાની રજૂઆત દરમિયાન રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ‘ભારતમાં માતા-પિતા એમના સંતાનોને કહેતાં હોય છે કે, મોટો થઈને ડૉક્ટર બનજે, એન્જિનિયર બનજે, વિજ્ઞાની બનજે. કોઈ એમ કેમ નથી કહેતું કે રાજકારણી બનજે! શું એટલા માટે કે રાજકારણ ખરાબ ક્ષેત્ર છે? જો એમ હોય, તો આપણે આ સિનેરિયો બદલવો પડશે. વધુ માત્રામાં યુવાનો રાજકારણમાં જોડાય એવું કંઈક કરવું પડશે.’ 

શું આપ્યો સુઝાવ?

યુવા દેશના રાજકારણીઓ પણ યુવા હોવા જોઈએ, એમ કહીને રાઘવ ચઢ્ઢાએ સૂચન કર્યું હતું કે, ‘રાજકારણમાં જોડાવા માટે યુવાનોમાં ઉત્સાહનો સંચાર કરવો પડે. નિયમાનુસાર હાલમાં દેશમાં ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 25 વર્ષ છે, એ ઘટાડીને 21 વર્ષ કરવી જોઈએ. જો યુવાનને 18 વર્ષે મત આપવાનો અધિકાર મળે તો રાજકારણમાં ઝંપલાવવાનો અધિકાર 21 વર્ષની વયે આપી જ શકાય.’ 

યુવા દેશના ઘરડાં નેતા

વર્તમાન લોકસભાની વાત કરીએ તો આ વખતે 25થી 30 વર્ષની વયજૂથના 7 યુવાનો સંસદમાં પહોંચ્યા છે. જનતાએ 31થી 40 વર્ષની વયજૂથમાં 51, 41થી 50 વર્ષની વયજૂથમાં 114, 51થી 60 વર્ષની વયજૂથમાં 166, 61થી 70 વર્ષની વયજૂથમાં 116, 71થી 80 વર્ષની વયજૂથમાં 43 અને 81થી 90 વર્ષની વયજૂથમાં 1 સભ્યોને લોકસભામાં મોકલ્યા છે. લોકસભામાં ચૂંટાયેલા સભ્યોની સરેરાશ ઉંમર 56 વર્ષ છે.

અન્ય દેશોની સ્થિતિ

આમ તો મોટાભાગના દેશની સંસદોમાં નેતાઓની વય વધારે જ હોય છે. એમની વૈશ્વિક સરેરાશ વય મર્યાદા છે 53 વર્ષ. સૌથી ઘરડાં સાંસદો અમેરિકાના છે. એ પછી જાપાન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો દુનિયાના ૩૦ ટકા સાંસદો ૪૫થી ઓછી ઉંમરના છે. રવાન્ડા, મોરોક્કો, કેન્યા અને યુગાન્ડા એ ચાર દેશોની સંસદમાં યુવા પ્રતિનિધિઓ માટે ખાસ આરક્ષિત બેઠકો રાખવામાં આવે છે. નોર્વે અને જિબોટી જેવા દેશોમાં યુવાનોને રાજકારણમાં જોડવવાના પ્રયાસો થાય છે. ડેનમાર્ક અને સ્વીડન જેવા અમુક દેશોએ ચૂંટણી લડવાની વયમર્યાદા ઓછી રાખી છે.   

રાજકારણ ઉપરાંતના ક્ષેત્રોમાં પણ જોવા મળે છે ‘ચીટકુ’ 

ભારતમાં જેને ધર્મ માનવામાં આવે છે એવા ક્રિકેટના ખેલમાં પણ સમયસર પદત્યાગ કરવાની વૃત્તિ જોવા મળતી નથી. સિલેક્ટર્સને સાચવી લીધા હોય એવા પાકટ ખેલાડીઓ ફોર્મમાં ન હોવા છતાં લાંબુ ખેંચે રાખે છે, તે એટલે સુધી જે-તે ક્રિકેટરના અઠંગ ચાહકો પણ બૂમો પાડતા થઈ જાય કે, ‘ભાઈ, બસ કર હવે અને ઘેરભેગો થા!’ યાદ કરો તો, 35ની વય વટાવી લીધા પછી પણ ક્રિકેટના મેદાનમાં ચીટકી રહેલાં કેટલા ક્રિકેટરોના નામ યાદ આવે છે? કપિલ દેવ અને મહોમ્મદ અઝહરુદ્દીનથી લઈને સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે સુધીના કેટલાય ક્રિકેટર 35ની વય વટાવ્યા બાદ રિટાયર થયા હતા. અરે, સચિન જેવા સચિને પણ સારું પ્રદર્શન ન થતું હોવા છતાં કરિયર ખેંચે રાખી હતી. આવું જ ભારતની અન્ય રમતો બાબતે પણ કહી શકાય એમ છે. વૈશ્વિક લેવલે કોઈપણ ખેલાડી રમતમાંથી નિવૃત્ત થાય ત્યારે ચાહકોના મનમાં કેમ આટલી વહેલી નિવૃત્તિ લો છો? એવો સવાલ થતો હોય છે. જ્યારે ભારતમાં કરિયર પરાણે ઘસડ્યે રાખતાં રમતવીરો માટે ક્યારે નિવૃત્તિ લો છો? એમ પૂછવામાં આવે છે.

મોહ ન છૂટે ખુરશી અને માઇકનો

સત્તા(પછી એ કોઈપણ ક્ષેત્રે હોય)નો મોહ જલ્દી છૂટતો નથી. ગમે એટલી નામના મેળવી લીધી હોય, સાત પેઢી લૂંટાવે તોય ન ખૂટે એટલું ઘરભેગું કરી લીધું હોય તોય ભારતની પ્રજાના લોહીમાંથી સત્તાનો મોહ છૂટતો નથી. જૂના જમાનામાં રાજગાદી ખાલી કરવા તૈયાર ન થતાં રાજાઓ એમના પોતાના જ સંતાનોને હાથે હણાઈ જતાં હોવાના કિસ્સા બનતા, તો આધુનિક જમાનામાં સિનિયરોની નૌકા પર સવાર થઈને રાજકારણનો ભવસાગર તરી જવાના પ્રસંગો પણ બનતા રહે છે. વડાપ્રધાનના અશ્વમેઘ યજ્ઞમાં અડવાણી અને મનોહર જોષી જેવાઓની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓની આહુતિ આપી દેવામાં આવી હતી, એ તો કેમ ભૂલાય?

ટૂંકમાં કહીએ તો, રાજકારણ અને રમતજગતની જેમ આપણા દેશમાં મોટાભાગના ક્ષેત્રે ઘરડેઘડપણ ચીટકું બની રહેવાની વૃત્તિ જોવા મળે જ છે. ‘ઘરડાં ગાડાં વાળે’ એ કહેવત કદાચ બધે જ પ્રવર્તે છે, પણ બાઇડનની જેમ ‘ઘરડા ગાંડા ન કાઢે’ એય જોવું પડે અને એ માટે રાજકારણમાં યુવાનોની ભાગીદારી વધારવાનો રાઘવ ચઢ્ઢાનો પ્રસ્તાવ અયોગ્ય નથી.

યુવા દેશના મહત્તમ પ્રતિનિધિ ઘરડાં કેમ? રાજ્યસભામાં ઊઠ્યો સવાલ, આપ્યું આવું સૂચન 2 - image


Google NewsGoogle News