Get The App

કરોડો હિન્દુઓની આસ્થાનો સવાલ, રાજકીય નાટક નહીં ચલાવીએ : સુપ્રીમ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
કરોડો હિન્દુઓની આસ્થાનો સવાલ, રાજકીય નાટક નહીં ચલાવીએ : સુપ્રીમ 1 - image


- સીબીઆઇ, આંધ્ર પોલીસ, ફૂડ સેફ્ટીના પાંચ અધિકારીની નવી એસઆઇટી રચી

- કોર્ટનો ઉપયોગ રાજકીય અખાડા તરીકે નહીં થવા દઇએ, આરોપો ગંભીર છે માટે તપાસ થવી જોઇએ : સુપ્રીમ

- લાડવામાં પશુ ચરબી હતી તેના પુરાવા છે : રોહતગી

- વેજિટેબલ ફેટ હશે, પુરાવા હોય તો રજુ કરો : સિબલ

નવી દિલ્હી : તિરુપતિ મંદિરમાં ભક્તોને અપાતા પ્રસાદ લાડવામાં પશુ ચરબીના વિવાદને લઇને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પાંચ સભ્યોની સ્વતંત્ર એસઆઇટીની રચના કરી છે જે હવે તપાસ કરશે કે ખરેખર ભેલસેળ હતી કે કેમ. આ સાથે જ સુપ્રીમે ચેતવણી આપતા કહ્યું હતું કે અમે કોર્ટનો ઉપયોગ રાજકીય અખાડા માટે નહીં થવા દઇએ. કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલો મામલો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી આર ગવઇ, ન્યાયાધીશ કે વી વિશ્વનાથનની બેંચ દ્વારા સમગ્ર મામલે થયેલી અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. બેંચે કહ્યું હતું કે અમે આ મામલાને રાજકીય નાટકમાં ફેરવવા નહીં દઇએ. કરોડો લોકોની આસ્થા સાથે સંકળાયેલી બાબત છે. જેની તપાસ માટે અમે એસઆઇટીની રચના કરીએ છીએ. એસઆઇટીની ટીમમાં સીબીઆઇના બે અધિકારીઓ, આંધ્ર પ્રદેશ પોલીસમાંથી બે સીનિયર અધિકારીઓ અને ફૂડ-સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. સીબીઆઇ અધિકારીની પસંદગી એજન્સીના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવશે. 

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે લાડુમાં ઉપયોગમાં લેવાયેલા ઘીમાં પશુ ચરબી, માછલીનું તેલ હતું. અગાઉ સુપ્રીમમાં તમામ લેબ રિપોર્ટ રજુ કરાયા હતા જેને ચકાસ્યા બાદ સુપ્રીમે કહ્યું હતું કે આ તમામ રિપોર્ટથી સાબિત નથી થતું કે લાડુમાં ભેળસેળવાળા ઘીનો ઉપયોગ થયો હતો કે કેમ. સાથે પુરાવા વગર ભેલસેળના દાવા કરવા બદલ નાયડુને ફટકાર લગાવી હતી. સુપ્રીમમાં અનેક અરજીઓ થઇ છે, બેંચે કહ્યું હતું કે આ અરજીમાં સ્વતંત્ર તપાસની માગણી પણ કરાઇ છે. જેને ધ્યાનમાં રાખીને અમે એસઆઇટીને તપાસ સોંપવાનો નિર્ણય લઇએ છીએ. અગાઉ રાજ્ય સરકાર દ્વારા પણ એક એસઆઇટીની રચના કરીને તપાસ સોંપાઇ હતી જેનુ સ્થાન સુપ્રીમ દ્વારા રચાયેલી એસઆઇટી લેશે. 

સુપ્રીમ કોર્ટમાં બે વરીષ્ઠ વકીલો કપીલ સિબલ અને મુકુલ રોહતગી વચ્ચે મહત્વપૂર્ણ દલીલો થઇ હતી. એક અરજદાર તરફથી હાજર કપીલ સિબલે કહ્યું હતું કે આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની અત્યંત જરૂર છે, મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ખુલ્લેઆમ નિવેદનો આપી રહ્યા છે. આંધ્ર પ્રદેશ સરકાર તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે લાડવાના પ્રસાદમાં પશુ ચરબી ભેળવવામાં આવી હોવાના પુરાવા છે. બાદમાં કપીલ સિબલે સવાલ કર્યો હતો ક્યા પુરાવાની વાત કરો છો? કોર્ટમાં એ પુરાવા હાજર કરો. રોહતગીએ કહ્યું હતું કે રિપોર્ટમાં ભેળસેળના પુરાવા છે. બાદમાં સિબલે કહ્યું હતું કે તે વેજિટેબલ ફેટ છે, પશુની ચરબી નહીં. તિરુપતિ મંદિર તરફથી હાજર વકીલ વરીષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે ૬ અને ૧૨ જુલાઇના રોજ ધાર્મિક સ્થળે પહોંચેલા કન્સાઇન્મેન્ટના સેંપલ પરથી સાબિત થાય છે કે તેમાં ભેળસેળ હતી. 

કપીલ સિબલે સવાલ કર્યો હતો કે મંદિર સંચાલકોની જવાબદારી હતી કે તેને મંદિર સુધી પહોંચવા દેવામાં ના આવે, કેમ આ કન્સાઇન્મેન્ટને તમે લોકોએ રોક્યું નહીં? બાદમાં લુથરાએ કહ્યું હતું કે કંપનીને ટેન્ડર અગાઉની સરકાર દ્વારા અપાયું હતું. કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કરોડો લોકોની આસ્થા પર રાજકારણ હાવી થઇ રહ્યું છે. સુપ્રીમે તમામ દલીલો બાદ કહ્યું હતું કે અમે આ મામલાને રાજકારણમા ંનહીં ફેરવવા દઇએ. સ્વતંત્ર તપાસ જરૂરી છે. આ સમગ્ર એસઆઇટીની તપાસની દેખરેખ સીબીઆઇના ડાયરેક્ટર કરશે. 


Google NewsGoogle News