Get The App

કંગનાના નિવેદન પર NDAમાં બબાલ, નીતિશની એક્શનની માગ, ચિરાગ પાસવાને જુદો રાગ આલાપ્યો

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
કંગનાના નિવેદન પર NDAમાં બબાલ, નીતિશની એક્શનની માગ, ચિરાગ પાસવાને જુદો રાગ આલાપ્યો 1 - image


Image: Facebook

Controversy on Kangana Ranauts Statement: ભાજપના લોકસભા સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પોતાના નિવેદનને લઈને એક વખત ફરી ચર્ચામાં છે. કંગનાએ ભારતના ખેડૂતોને સંબંધિત નિવેદન આપ્યું છે. ભાજપ સાંસદનું નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયુ છે. ભાજપે કંગનાના નિવેદન અંગે કહ્યું કે આ પાર્ટીનું નિવેદન નથી. જો કે હવે અલગ-અલગ પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

આ તેમનો વિચાર છે

એલજેપી પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કંગનાના નિવેદન પર કહ્યું, 'આ કંગનાનું પર્સનલ સ્ટેટમેન્ટ હોઈ શકે છે, આ તેમનો વિચાર હોઈ શકે છે. પાર્ટીનું કોઈ નિવેદન નથી.'

દિલ્હી કોંગ્રેસ ચીફ દેવેન્દ્ર યાદવે સવાલ ઉઠાવતાં કહ્યું, 'કંગના રણૌતને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે તે વિચારવા જેવો સવાલ છે. શા માટે પાર્ટી તેમને રોકી રહી નથી? આ મહિલાએ પહેલા ખેડૂતોને આતંકવાદી કહ્યા હતા. આ ખેડૂતો માટે શરમજનક નિવેદન આપે છે, આમાં ભાજપની મૌન સંમતિ છે.'

કંગનાનું નિવેદન, ખેડૂતોનું અપમાન 

જનતા દળ યુનાઈટેડના સીનિયર લીડર કેસી ત્યાગીએ કહ્યું કે 'કંગના રણૌતનું નિવેદન ખેડૂતોનું અપમાન છે, ભાજપે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. આ તો વડાપ્રધાનના નિર્ણયનું અપમાન છે. અમે પણ આ કૃષિ કાયદા વિરુદ્ધ હતાં, અમે કંગના રણૌતના નિવેદનનો વિરોધ કરે છીએ.'

સવાલ ઉઠ્યા બાદ કંગનાની પ્રતિક્રિયા

નિવેદનબાજી પર જાતભાતના સવાલ ઉઠાવ્યા બાદ કંગના રણૌતે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'બિલકુલ, કૃષિ કાયદા પર મારા વિચાર અંગત છે અને તે બિલ પર પાર્ટીના વલણનું પ્રતિનિધિત્વ કરતાં નથી.' કંગના રણૌતે આ વાત ભાજપ લીડર ગૌરવ ભાટિયાના નિવેદનને સોશિયલ મીડિયા પર રીપોસ્ટ કરતાં કરી છે.

ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ કંગના રણૌત દ્વારા કૃષિ કાયદા પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું, 'સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકાર દ્વારા પાછા લીધેલા કૃષિ બિલ પર ભાજપ સાંસદ કંગના રણૌતનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. હું એ સ્પષ્ટ કરવા માગું છું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે. કંગના રણૌત ભાજપ તરફથી આવું નિવેદન આપવા માટે અધિકૃત નથી અને આ કૃષિ બિલ પર આપવામાં આવેલું નિવેદન ભાજપની દ્રષ્ટિને દર્શાવતું નથી. અમે આ નિવેદનનો અસ્વીકાર કરીએ છીએ.'

કોંગ્રેસે સાધ્યુ નિશાન

કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વીટર પર કંગનાના નિવેદન વાળો વીડિયો શેર કરતાં લખ્યુ, 'ખેડૂતો પર લાગુ કરવામાં આવેલા 3 કાળા કાયદા પાછા લાવવા જોઈએ. ભાજપના સાંસદ કંગના રણૌતે આ વાત કહી. દેશના 750થી વધુ ખેડૂત શહીદ થયા. ત્યારે મોદી સરકારની ઊંઘ ઉડી અને આ કાળા કાયદા પાછા લીધા.' 'હવે ભાજપ સાંસદ ફરીથી આ કાયદાની વાપસીનો પ્લાન બનાવી રહ્યાં છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. આ કાળા કાયદાની વાપસી હવે ક્યારેય થશે નહીં. ભલે નરેન્દ્ર મોદી અને તેમના સાંસદ ગમે તેટલો પ્રયત્ન કરી લે.'

કંગનાએ કૃષિ કાયદા પર શું કહ્યું હતું?

હિમાચલ પ્રદેશમાં પોતાના મત વિસ્તાર મંડીમાં પત્રકારો સાથે વાત કરતાં કંગના રણૌતે કહ્યું, 'મને લાગે છે કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે પરંતુ ત્રણ કૃષિ કાયદાને પાછા લેવા જોઈએ. ખેડૂતોએ પોતે આની માગ કરવી જોઈએ.' કંગનાએ તર્ક આપ્યો કે 'ત્રણ કાયદા ખેડૂતો માટે લાભદાયી હતા પરંતુ અમુક રાજ્યોમાં ખેડૂત જૂથના વિરોધના કારણે સરકારે તેને પાછા લઈ લીધા. ખેડૂત દેશના વિકાસનો એક સ્તંભ છે. હું તેમને અપીલ કરવા ઈચ્છું છું કે તે પોતાના ભલા માટે કાયદાને પાછા લાવવાની માગ કરે.'


Google NewsGoogle News