CM આતિશીના આરોપ બાદ PWDની સ્પષ્ટતા, કહ્યું- 'તેઓ ક્યારેય આવાસ પર રહેવા જ નથી ગયા'
Delhi Election: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ થોડી વાર પહેલાં જ ભાજપની કેન્દ્ર સરકાર પર ઘર છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો. જેના પર PWDની સ્પષ્ટતા બાદ એક નવો વળાંક જોવા મળ્યો છે. PWDએ સ્પષ્ટતા આપી છે કે, 'આતિશી ક્યારેય મુખ્યમંત્રી માટે ફાળવવામાં આવેલા આવાસ પર રહેવા ગયા જ ન હતા.'
આતિશીને બે બંગ્લો ઓફર કરાયા હતા
PWDએ જણાવ્યું કે, આતિશીને 17 એબી મથુરા રોડ પર સરકારી આવાસ પહેલાંથી જ ફાળવવામાં આવેલો હતો. બાદમાં તેમને ફરી બે બંગ્લો ઓફર કરવામાં આવ્યા હતા. આ બંને આવાસ સરકાર દ્વારા પરત લઈ લેવા પાછળ બે કારણો જવાબદાર છે. એક આ બંગ્લો ફાળવ્યાના એક સપ્તાહની અંદર જ તેમણે ઘરનું પઝેશન લેવાનું હતું. પરંતુ તેઓ 3 મહિના થયા હોવા છતાં આ આવાસમાં રહેવા ગયા ન હતા. બીજું 6 ફ્લેગ સ્ટાફ રોડ સીબીઆઈ-ઈડીની તપાસ કાર્યવાહી હેઠળ છે. જેથી આતિશીને આ કાર્યવાહીમાં સહકાર આપવાની શરતે બંગલો ફાળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મને ફરી મુખ્યમંત્રી આવાસથી કાઢી મૂકવામાં આવી', CM આતિશીના કેન્દ્ર પર પ્રહાર
CAGએ નિર્માણમાં ભ્રષ્ટાચારની ખાતરી કરી
આતિશીએ મુખ્યમંત્રી માટે ફાળવવામાં આવેલો 6 ફ્લેગ સ્ટાફ રોડ આવાસનું પઝેશન જાણી જોઈને લીધું ન હતું. કારણકે, CAGના રિપોર્ટમાં તેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ થઈ હતી. જેથી આવાસ પર ચાલી રહેલી સીબીઆઇ-ઈડી તપાસમાં સહયોગ આપવો ન પડે અને તપાસ પૂર્ણ ન થાય તેવા ઉદ્દેશ સાથે આતિશી ઘરનું પઝેશન લઈ રહ્યા ન હતા.
આતિશીએ મૂક્યો હતો આરોપ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર તેમનું નિવાસ સ્થાન ફરી છીનવી લીધું હોવાનો આરોપ મૂક્યો છે. આતિશીએ એક પત્રના માધ્યમથી ભાજપે અડધી રાત્રે સીએમ પદ માટે ફાળવવામાં આવેલું નિવાસ સ્થાન તાત્કાલિક ધોરણે ખાલી કરાવ્યું હોવાનો આરોપ મૂક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો છે કે, 'મને મુખ્યમંત્રી માટે ઘર મળ્યું હતું. પરંતુ તેનું અલૉટમેન્ટ ભાજપ સરકારે રદ કરી દીધું છે. મારું ઘર છીનવાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થયાની એક રાત પહેલાં જ મને મારા નિવાસ સ્થાનમાંથી બહાર કરવામાં આવી હતી. ત્રણ મહિનામાં બે વખત મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી.'