Get The App

ખેડૂત આંદોલન ના અટકાવ્યું હોત તો પંજાબ બાંગ્લાદેશ બની જાત : કંગના

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
ખેડૂત આંદોલન ના અટકાવ્યું હોત તો પંજાબ બાંગ્લાદેશ બની જાત : કંગના 1 - image


આંદોલન સમયે રેપ-હત્યાઓ થઇ : ભાજપ સાંસદ 

ભાજપે નિવેદનને અંગત ગણાવ્યું, કોંગ્રેસે એનએસએ લગાવી જેલમાં મોકલવા માગ કરી 

નવી દિલ્હી: ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ખેડૂતોના આંદોલનને લઇને ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. કંગનાએ દાવો કર્યો હતો કે જો ખેડૂતોનું આંદોલન અટકાવવામાં ના આવ્યું હોત તો પંજાબ બાંગ્લાદેશ બની જાત. કંગનાએ બાંગ્લાદેશમાં થયેલા બળવાને પંજાબમાં ખેડૂતોના આંદોલન સાથે સરખાવીને વિવાદ સર્જ્યો છે.

અગાઉ કંગનાએ ખેડૂતોના આંદોલનને બદનામ કરવા કહ્યું હતું કે તેમાં મહિલા ખેડૂતો ૧૦૦-૨૦૦ રૂપિયા લઇને ધરણા પર બેસે છે. જેને કારણે કંગનાને એક મહિલા જવાને એરપોર્ટ પર થપ્પડ મારી દીધી હતી. એ વિવાદને હજુ થોડો સમય જ વીત્યો છે ત્યારે હવે કંગનાએ ફરી ખેડૂતોના આંદોલન અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપની સાંસદે આરોપ લગાવ્યો હતો કે ખેડૂતોના આંદોલન સમયે મોટુ પ્લાનિંગ હતું, સરકારે કૃષિ કાયદા પરત ના લીધા હોત તો પંજાબ બાંગ્લાદેશ જેવી સ્થિતિમાં મુકાયું હોત. ખેડૂતોના આંદોલન સમયે બળાત્કાર અને હત્યાઓ પણ થઇ હતી તેવો દાવો પણ કંગનાએ કર્યો હતો. 

કંગના હાલ કટોકટી પર બનેલી પોતાની ફિલ્મને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. એવામાં પંજાબ અને ખેડૂતોને લઇને કંગનાએ આ નિવેદન આપ્યું છે. કંગનાના આ નિવેદનને કારણે પંજાબમાં ભાજપ અસમંજસની સ્થિતિમાં મુકાયો છે. પંજાબ ભાજપના વરીષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કહ્યું હતું કે આ કંગનાનું વ્યક્તિગત નિવેદન છે, તેની સાથે ભાજપને કઇ લેવાદેવા નથી. 

બીજી તરફ કંગનાના નિવેદનથી કોંગ્રેસ ભડકી ગઇ હતી. કોંગ્રેસના નેતા રાજકુમાર વેરકાએ માગણી કરી છે કે કંગના પર એનએસએ લગાવવામાં આવે અને આસામની ડિબૂ્રગઢ જેલમાં મોકલવામાં આવે. તે રોજ પંજાબના નેતાઓની વિરૂદ્ધમાં ઝેર ઓખી રહી છે, હવે કંગનાએ કહ્યું છે કે ખેડૂતોના આંદોલન સમયે રેપ અને હત્યાઓ થઇ હતી. તે ભાજપની નેતા છે માટે પક્ષે આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. તેમણે પંજાબ સરકાર સમક્ષ કંગના સામે ફરિયાદ દાખલ કરવા માગ કરી હતી. 


Google NewsGoogle News