પંજાબના પૂર્વ DyCMએ શૌચાલય સાફ કરી વાસણ ધોવા પડશે, અકાલ તખ્તે ફટકારી સજા
Punjab News : પંજાબમાં બે વખત પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલને ધાર્મિક સજા મળી છે. તેમણે અકાલી સરકાર વખતે કરેલી ભુલોને સ્વિકારી લીધી છે. ત્યારબાદ અકાલ તખ્તે સુખબીર બાદલ અને અન્ય અકાલી નેતાઓને ધાર્મિક સજા ફટકારી છે. સજા મુજબ બાદલે શૌચાલય સાફ કરી વાસણ ધોવા પડશે.
બાદલને લંગરમાં જૂઠાં વાસણો સાફ કરવાની સજા
સજા મુજબ સુખબીર બાદલ પાંચ ગુરુ ઘરોની બહાર હાથમાં ભાલો લઈને સેવાદારની સેવા કરશે. તેમણે આ સેવા સવારે 9.00થી 10.00 વાગ્યા સુધી કરવાની રહેશે. ત્યારબાદ એક કલાક સુધી લંગરમાં જૂઠાં વાસણો સાફ કરવાના રહેશે. આ ઉપરાંત તેમણે કીર્તન સાંભળવાનું અને સુખમણી સાહેબનો પાઠ કરવાનો રહેશે.
બાદલની સાથે કેબિનેટના ત્રણ નેતાઓને પણ સજા
બાદલની સાથે કોર કમિટી મેમ્બર અને વર્ષ 2015માં કેબિનેટના ત્રણ નેતાઓને પણ સજા ફટકારવામાં આવી છે. સજા મુજબ આ લોકો ત્રણ ડિસેમ્બરે 12.00 વાગ્યાથી લઈને 1.00 વાગ્યા સુધી શૌચાલય સાફ કરશે. ત્યારબાદ તેઓ સ્નાન કરીને લંગર ગૃહમાં સેવા આપશે. પછી સુખમણી સાહેબનો પાઠ કરવાનો રહેશે. તેઓ શ્રી દરબાર સાહિબની બહાર ભાલો લઈને બેસશે. તેઓએ ગળામાં 'તનખૈયા' લખેલી તકતી પણ પહેરવી પડશે.
આગામી ત્રણ દિવસમાં નેતાઓની રાજીનામાં સ્વિકારાશે
જે નેતાઓએ શિરોમણી અકાલી દળ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તે ત્રણ દિવસમાં સ્વિકારી લેવાશે. પાર્ટી સાથે બળવો કરનારાઓને સજા ફટકારવામાં આવી છે. તેઓને અકાલી દળ સાથે રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે, શિરોમણી અકાલી દળ આવનારા સમયમાં પાર્ટીની નવી કમિટીની ચર્ચા અને નિમણૂકો કરે, જે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાથી થવી જોઈએ.
સુખબીર સિંહ બાદલના ગુનાઓ
- સરકારમાં સાંપ્રદાયિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવું
- શીખ યુવાનો પર અત્યાચાર કરનારા અધિકારીઓને બઢતી આપી
- રામ રહીમ વિરુદ્ધ નોંધાયેલ કેસ પાછા ખેંચી લેવાયા
- તેમણે ચંદીગઢમાં પોતાના ઘરે જત્થેદારોને બોલાવ્યા અને રામ રહીમને માફ કરવા કહ્યું
- પવિત્ર મૂર્તિઓની ચોરી અને અપમાનના કેસોની તપાસ ન કરી
- સંગત પર લાઠીચાર્જ અને ફાયરિંગ કરાયું
- યુવાનો પર થયેલા અત્યાચારની તપાસ માટે કમિટી ન બનાવી
- શિરોમણી સમિતિ દ્વારા રામ રહીમની માફીની જાહેરાતો પ્રસિદ્ધ કરી
- અકાલી દળ માટે તેના મુદ્દાઓથી ભટકવું શરમજનક