હરિયાણાની રાજ્યસભા બેઠક માટે ત્રણ સપ્ટેમ્બરે ચૂંટણી, એક બેઠક માટે ભાજપના ચાર દિગ્ગજો રેસમાં
Haryana Rajya Sabha Election-2024 : હરિયાણામાં રાજ્યસભાની એક બેઠક માટે ત્રણ સપ્ટેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની માત્ર એક બેઠક માટે ભાજપના ચાર દિગ્ગજ ચહેરાઓ રેસમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે, જોકે સત્તાધારી ભાજપ કોને ઉમેદવાર બનાવશે, તેની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી.
ભાજપ કોને બનાવશે ઉમેદવાર?
મળતા અહેવાલો મુજબ ભાજપ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ (Ravneet Singh Bittu)ને ઉમેદવાર બનાવી શકે છે. કારણ કે, બિટ્ટૂ લોકસભા ચૂંટણી હારવા છતાં પાર્ટીએ તેમને મંત્રી પદ આપ્યું છે. આ જ કારણે તેમણે છ મહિનાની અંદર સંસદનું સભ્યપદ મેળવવું જરૂરી છે. બીજીતરફ રાજ્યસભાના ઉમેદવારની રેસમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કિરણ ચૌધરીનું નામ પણ સામેલ છે.
હુડ્ડાના રાજીનામા બાદ ખાલી પડી બેઠક
રાજ્યસભાના સભ્ય દીપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતક બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી તેમણે રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. એક બેઠક પર ઉમેદવારી નોંધાવવા માટે 14 ઓગસ્ટથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. ભાજપનાં ઘણા નેતાઓ રાજ્યસભામાં જવા માંગે છે, જેના કારણે ભાજપ કોને ઉમેદવાર બનાવશે, તેની ઉપર હજુ સસ્પેન્સ છે.
હરિયાણા રાજ્યસભાનું ગણિત
90 ધારાસભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં હાલ 87 ધારાસભ્યો છે, તેથી રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે 44 ધારાસભ્યોના મત મળવા જરૂરી છે. હાલ ભાજપમાં કુલ 41 ધારાસભ્યો છે અને તેને અપક્ષ ધારાસભ્ય ગોપાલ કાંડાનું પણ સમર્થન મળેલું છે. આ ઉપરાંત જેજેપીના બે-ત્રણ ધારાસભ્યો પણ બળવો કરી ભાજપને મત આપી શકે છે.
આ આઠ રાજ્યોમાં પણ યોજાશે ચૂંટણી
હરિયાણા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણા, ત્રિપુરા, રાજસ્થાન અને આસામની ખાલી પડેલી રાજ્યસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે. આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો ખાલી પડવાની છે. જ્યારે હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાંથી એક-એક સીટ ખાલી થઈ રહી છે. કેટલાક રાજ્યસભાના સભ્યો લોકસભાની ચૂંટણી જીત્યા હોવાથી તેમજ બે સભ્યોએ રાજીનામું આપ્યું હોવાથી 12માંથી 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.