Get The App

VIDEO: ખેડૂત આંદોલન ઉગ્ર બનવાના એંધાણ, પંઢેરે કહ્યું- ‘કાલે કૂચ નહીં, વ્યૂહનીતિ ઘડીશું’; SCમાં અરજી નામંજૂર

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
VIDEO: ખેડૂત આંદોલન ઉગ્ર બનવાના એંધાણ, પંઢેરે કહ્યું- ‘કાલે કૂચ નહીં, વ્યૂહનીતિ ઘડીશું’; SCમાં અરજી નામંજૂર 1 - image


Punjab-Haryana Farmer Protest : પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર (Shambhu border) પર ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો બોર્ડર પર શુક્રવારથી દેખાવ-પ્રદર્શનો સાથે દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં રવિવારે પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનો કાફલો તેમને દિલ્હી જતાં અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેરે મોટી જાહેરાત કરી છે. 

ખેડૂતો મંગળવારે દિલ્હી કૂચ નહીં કરે, કાલે રણનીતિ ઘડાશે : પંઢેર

કિસાન મજદૂર મોરચાના પ્રમુખ સરવણ સિંહ પંઢેરે (Sarwan Pandher) કહ્યું કે, ‘શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો મંગળવારે દિલ્હી કૂચ નહીં કરે. આવતીકાલે આંદોલન અંગે રણનીતિ ઘડવામાં આવશે. જે રીતે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને મહિલા પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે નિંદનીય છે. અમે આવતીકાલે વધુ ચર્ચા કરીશું.’ ખેડૂતોએ શુક્રવારે અને રવિવારે દિલ્હી જવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હરિયાણા પોલીસે તેમના બંને પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે અને આગળ જતાં અટકાવ્યા છે.

જુઓ વીડિયો : દિલ્હી કૂચ પર ફરી લાગી બ્રેક! અનેક ખેડૂતો થયાં ઘાયલ, હવે ઘડાશે નવી વ્યૂહનીતિ

સુપ્રીમ કોર્ટે અરજી નામંજૂર કરી

બીજીતરફ સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે અરજદારની અરજી નામંજૂર કરી દીધી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ મનમોહનની બેંચે કહ્યું કે, ‘આ મામલો પહેલાથી જ વિચારણા હેઠળ છે. એક જ કેસની અરજી પર વારંવાર વિચારણા ન કરી શકાય. અરજીમાં માંગ કરાઈ છે કે, કેન્દ્ર સરકાર અને સત્તાવાળાઓ દ્વારા પંજાબના જે માર્ગો પર અવરોધ ઊભો કરાયો છે, તેને હટાવવાનો આદેશ આપવામાં આવે. બેંચે અરજદાર ગૌરવ લૂથરાને કહ્યું કે, ‘તમે વારંવાર અરજી દાખલ ન કરો. કોર્ટે અરજીને પેન્ડિંગ કેસ સાથે જોડવાનો પણ ઇન્કાર કરી દીધો છે.’

ખેડૂત આંદોલન મુદ્દે પંજાબમાં રાજકારણ ગરમાયું

સરવણ સિંહ પંઢેર આજે ખનૌરી બોર્ડર પર જગજીત ડલ્લેવાલની હાલત જાણવા માટે જવાના છે. ડીઆઇજી મનદીપ સિંહ સિદ્ધુ પણ ખનૌરી જવાના છે. અહીં ડલ્લેવાલના આરોગ્ય અંગે વાતચીત કરવામાં આવશે. બીજીતરફ ખેડૂત આંદોલન મુદ્દે પંજાબમાં રાજકારણ ગરમાયું છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું કે, ‘ખેડૂતો માત્ર એટલી માંગ કરી રહ્યા છે કે, એમએસપી પર કાનૂની ગેરંટી ન આપવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકારનો વ્યવહાર યોગ્ય નથી. ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. તેમને દિલ્હી જવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીએ પણ MSP પર કાનૂની ગેરંટીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અમને તક મળશે તો અમે સંસદમાં શૂન્યકાળ અથવા પ્રશ્નકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું.

જુઓ વીડિયો : ખેડૂત આંદોલનમાં પોલીસનો ગજબનો અંદાજ, પહેલા ફૂલો વરસાવ્યા પછી ઝીંક્યા અશ્રુ ગેસના સેલ


Google NewsGoogle News