'...તો આ કારણે સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઇ', પંજાબ સરકારની સુપ્રીમકોર્ટમાં મહત્ત્વપૂર્ણ કબૂલાત
Punjab Govt on Sidhu Moosewala: સુપ્રીમ કોર્ટમાં પંજાબ સરકારે સ્વીકાર્યું છે કે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સુરક્ષામાં ઘટાડો કરવાને લીધે થઈ હતી. પંજાબ સરકારના વકીલ એડવોકેટ જનરલ ગુરમિન્દર સિંહ ગેરીએ સુપ્રીમકોર્ટમાં દાખલ સોગંદનામામાં આ વાત સ્વીકારી હતી.
પંજાબ સરકારની ચારેકોરથી ટીકા શરૂ થઈ
ટોચની કોર્ટમાં કબૂલાતનામા બાદ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. શિરોમણી અકાલી દળે પણ સિંગરની હત્યા મામલે સરકારને ઘેરી હતી. અહેવાલ અનુસાર મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે સરકારે તેના કબૂલાતનામા બાદ એ લોકો સામે એફઆઈઆર કરવી જોઇએ જેમના કારણે સુરક્ષામાં ઘટાડો કરાયો હતો.
સિદ્ધુ મૂસેવાલાના પિતાએ કરી આ માગ
આ મામલે સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. સત્ય તો સામે આવી જ જાય છે. આ હત્યામાં આરોપીઓની ભૂમિકાથી વધુ પંજાબ સરકારનો રોલ વધુ જણાય છે. લોરેન્સ બિશ્નોઈએ જેલથી દોઢ વર્ષ પહેલા ઈન્ટરવ્યૂ આપ્યો પણ સરકાર હજુ સુધી આ મામલે કંઇ શોધી શકી નથી.
પંજાબમાં કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યાં
શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમસિંહ મજિઠિયાએએ કહ્યું કે મૂસેવાલાની હત્યા મામલે સરકાર વિરુદ્ધ કેસ નોંધવો જોઇએ. સુરક્ષા કવર પાછો ખેંચ્યાના બે દિવસમાં જ સિંગરની હત્યા કરી દેવામાં આવી હતી. મૂસેવાલાના પરિજનો પણ આ જ વાત કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે સરકારે ન ફક્ત સિંગરની સુરક્ષા ઘટાડી પણ બિશ્નોઈને જેલથી ઈન્ટરવ્યૂ આપવાની છૂટ પણ આપી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત દયનીય થઈ ચૂકી છે.
સરકારે ઘટાડી હતી મૂસેવાલાની સુરક્ષા
ખરેખર તો પંજાબ સરકારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષામાં 4 સુરક્ષાકર્મી તહેનાત કર્યા હતા જેમને ઘટાડી બે કરી દેવાયા હતા. તેનો ફાયદો ઊઠાવી ગોલ્ડી બરાડે તેના શૂટર્સને સિંગરની હત્યા કરવા મોકલ્યા હતા. પોલીસ ચાર્જશીટમાં પણ આ વાત સ્વીકારી ચૂકી હતી. પોલીસે 26 મેના રોજ સુરક્ષા ઘટાડી અને પછી 29 મે 2022ના રોજ મૂસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી.