સુપ્રીમ કોર્ટની પંજાબ સરકારને રાહત, વિવાદ કરનાર રાજ્યપાલને કહ્યું, ‘તમે આગ સાથે રમી રહ્યા છો’
સુપ્રીમ કોર્ટે પંજાબમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે ચિંતા વ્યક્ત કરી
વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી મામલે પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટથી રાહત
નવી દિલ્હી, તા.10 નવેમ્બર-2023, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે (Supreme Court) પંજાબમાં સરકાર (Punjab Government) અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત (Banwarilal Purohit) વચ્ચે ચાલી રહેલી મડાગાંઠની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મામલે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે પંજાબમાં જે થઈ રહ્યું છે તે અત્યંત ચિંતાજનક છે અને તે તેનાથી બિલકુલ ખુશ નથી. તમને જણાવી દઈએ કે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપી રહ્યા નથી.
કોર્ટે રાજ્યપાલને કહ્યું- તમે આગ સાથે રમી રહ્યા છો
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે પંજાબ સરકાર અને રાજ્યપાલને કહ્યું કે આપણો દેશ નિશ્ચિત પરંપરાઓનું પાલન કરે છે અને તેનું પાલન કરવું જરૂરી છે. રાજ્યપાલની ટીકા કરતા ખંડપીઠે કહ્યું કે તેઓ બિલોને મંજૂરી ન આપીને આગ સાથે રમત રમી રહ્યા છે અને વિધાનસભા સત્ર બોલાવવાને ગેરબંધારણીય ગણાવ્યું. લોકશાહી હેઠળ મુખ્યમંત્રી અને રાજ્યપાલે સાથે મળીને કામ કરવું જોઈએ. બેન્ચે કહ્યું કે જો રાજ્યપાલને લાગે છે કે બિલ ખોટી રીતે પસાર કરવામાં આવ્યું છે, તો તેમણે બિલને વિધાનસભા અધ્યક્ષને પાછું મોકલવું જોઈએ. ખંડપીઠે રાજ્યપાલના વકીલને પૂછ્યું કે જો વિધાનસભાના સત્રને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે તો ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલ બિલ ગેરકાયદેર કેવી રીતે હોઈ શકે?
શું છે વિવાદ ?
પંજાબ સરકારે 19 અને 20 જૂને વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. આ સત્રમાં SGPC સુધારા બિલ, RDF ફંડ પેન્ડિંગ, યુનિવર્સિટી ચાન્સેલર બિલ અને પંજાબ પોલીસ એક્ટ બિલ પસાર કરવામાં આવ્યા હતા. જો કે પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતનું કહેવું છે કે પંજાબ સરકાર દ્વારા જૂનમાં બોલાવવામાં આવેલ વિધાનસભા સત્ર ગેરબંધારણીય છે, તેથી આ સત્રમાં કરવામાં આવેલ કામ પણ ગેરબંધારણીય છે. તેની સામે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સરકારનું કહેવું છે કે સત્ર હજુ મુલતવી રાખવામાં આવ્યું નથી તેથી સરકાર જ્યારે ઈચ્છે ત્યારે સત્ર બોલાવી શકે છે.