'મારી આંખો સામે મારા દીકરાને મારી નાખ્યો..' ગુરુગ્રંથ સાહિબના અપમાન મામલે પિતાનું દર્દ છલકાયું
Punjab Sacrilege Case: પંજાબના ફિરોઝપુરમાં ગુરુગ્રંથ સાહિબના અપમાન મામલે બક્ષીશ સિંહને ટોળાએ માર માર્યો હતો. આ મામલે 19 વર્ષિય બક્ષીશ સિંહના પિતા લખબિન્દર સિંહનું દર્દ છલકાયું છે. તેમણે કહ્યું કે, મારી આંખો સામે મારા દીકરાને મારી નાખ્યો. જ્યારે મેં મારા દીકરાને બચાવવાનો પ્રયત્નો કર્યો, ત્યારે મને પણ મારવા દોડ્યા હતાં.'
શું છે સમગ્ર મામલો?
અહેવાલો અનુસાર, આ ઘટના શનિવારે (ચોથી મે) ફિરોઝપુરના બંદાલા ગામમાં બની હતી. પોલીસનું કહેવું છે કે 19 વર્ષીય બક્ષીશ સિંહે બંદાલા ગામમાં ગુરુદ્વારા બાબા બીર સિંહના પરિસરમાં પ્રવેશ્યા બાદ ગુરુગ્રંથ સાહિબના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. આ ઘટના ગુરુદ્વારામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે યુવક પર ટોળાએ હુમલો કર્યો હતો.
યુવક માનસિક રીતે બીમાર હતો
મૃતક બક્ષીશ સિંહના પિતા લખબિંદર સિંહનું કહેવું છે કે, 'બે વર્ષથી મારા દીકરાની માનસિક સ્થિતિની સારવાર ચાલી રહી હતી. જ્યારે મે સાંભળ્યું કે મારા દીકરાને ટોળા દ્વારા માર મારવામાં આવે છે, ત્યારે મે મારા દીકરાનો જીવ બચાવવા માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ સ્થળ પર જ લોકોએ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન છીનવી લીધી અને મારી વાત પણ સાંભળી નહીં.' હાલ આ મામલે કોઈ પોલીસ અધિકારી સત્તાવાર રીતે કંઈ કહેવા તૈયાર નથી. એસએસપી સૌમ્ય મિશ્રાનું કહેવું છે કે, 'આ મામલે દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ મામલો સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.'