પંજાબના CM ભગવંત માનના ઘરે ઘોડિયું બંધાયું, પત્ની ગુરપ્રીત કૌરે બાળકીને આપ્યો જન્મ
Image Source: Twitter
ચંદીગઢ, તા. 28 માર્ચ 2024 ગુરૂવાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે ખુશીઓ આવી છે. તેમની પત્ની ડો. ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. ગત રાત્રે જ સીએમ માનની પત્ની ડો. ગુરપ્રીત કૌરને મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની જાણકારી પોતે સીએમ ભગવંત માને સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખીને આપી. તેમણે લખ્યુ છે, ભગવાને પુત્રીની ભેટ આપી છે. માતા-બાળકી સ્વસ્થ છે. મુખ્યમંત્રી ભગવંત માન 50 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત પિતા બન્યા છે. તેમની પહેલી પત્નીથી તેમને 2 બાળકો છે.
26 જાન્યુઆરીએ પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો હતો
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના સમારોહને સંબોધિત કરતા સીએમ ભગવંત માને જાણકારી આપતા કહ્યુ હતુ કે મારી પત્ની ડો. ગુરપ્રીત કૌર 7 મહિનાની ગર્ભવતી છે. માર્ચમાં અમારા ઘરે ખુશીઓ આવશે. અમે એ જાણવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નથી કે પુત્રી આવશે કે પુત્ર. મારી બસ એ જ ઈચ્છા છે કે પુત્ર કે પુત્રી જે પણ આવે, બસ તંદુરસ્ત આવે.
16 વર્ષ નાની ડો. ગુરપ્રીત કૌર સાથે થયા હતા લગ્ન
7 જુલાઈએ 2022એ સીએમ ભગવંત માન પોતાનાથી 16 વર્ષ નાની લગભગ 32 વર્ષની ડો. ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. સીએમ માનના આ બીજા લગ્ન હતા. ડો. ગુરપ્રીત કૌર હરિયાણાના પેહોવાના રહેવાસી છે અને એમબીબીએસ ડોક્ટર છે.
સીએમ ભગવંતના પહેલા લગ્ન ઈન્દરપ્રીત કૌર સાથે થયા હતા પરંતુ વર્ષ 2015માં બંનેએ આંતરિક સંમતિથી ડિવોર્સ લઈને અલગ થવાનો નિર્ણય કર્યો. ડિવોર્સ બાદ ઈન્દરપ્રીત બંને બાળકોને લઈને અમેરિકા જતી રહી.