‘યુવાઓને બચાવવા અફીણની ખેતી કરવા માંગ’, પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની વિચિત્ર રજૂઆત
સિન્થેટિક નશાથી યુવાઓનું મોત થઈ રહ્યું છે, તેથી અફીણ-પોષ ડોડાની ખેતી જરૂરી : આપ
અફીણની ખેતી કોઈ નાની બાબત નથી, સમજી-વિચારીને લાગુ કરવાની જરૂરઃ કોંગ્રેસ
પંજાબ (Punjab)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ધારાસભ્ય પઠાન માજરા (Pathan Majra) વિધાનસભામાં વિચિત્ર માંગણી લઈને આવ્યા છે. તેમણે રાજ્યમાં અફીણની ખેતી (Opium Cultivation), પોષ ડોડાની ખેતી અને દારુનું વેચાણ શરૂ કરવાની માંગ કરી છે. તો બીજીતરફ કોંગ્રેસે પણ તેમની વાતમાં સૂર પુરાવ્યા છે.
સિન્થેટિક નશાથી યુવાઓનું મોત થઈ રહ્યું છે
બજેટ સત્રમાં માજરાએ અફીણ ખેતીનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, ‘પંજાબમાં યુવાઓને સિન્થેટિક નશાથી બચાવવા માટે અફીણ અને પોષ ડોડાની ખેતી ખૂબ જરૂરી છે. મેં અફીણ અને પોષ ડોડાના નશાથી ક્યારેય કોઈને મરતા જોયા નથી. જ્યારે સિન્થેટિક નશાથી યુવાઓનું મોત થઈ રહ્યું છે. મોટાભાગના ધારાસભ્યો ભલે જાહેરમાં બોલતા નથી, પરંતુ તેઓ પણ આવું ઈચ્છી રહ્યા છે.’
અફીણની ખેતી કરવી કોઈ નાની બાબત નથી : કોંગ્રેસ
બીજીતરફ કોંગ્રેસ (Congress) ધારાસભ્ય પરગટ સિંહે કહ્યું કે, ‘અફીણની ખેતી કરવી કોઈ નાની બાબત નથી, તેને મોટા સ્તરે વાતચીત કરી અને સમજી-વિચારીને લાગુ કરવાની જરૂર છે.’
અગાઉ અફીણની ખેતી કેમ બંધ કરાઈ, તપાસ કરો : વિધાનસભા અધ્યક્ષ
વિધાનસભા અધ્યક્ષે આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમણે અગાઉ અફીણ, પોશ ડોડાની ખેતી અને દારૂનું વેચાણ કેમ બંધ કરાયું, તેની તપાસ કરવા પણ કહ્યું છે.
આપની માંગ અંગે કોંગ્રેસનો વિરોધ
પંજાબ વિધાનસભા સત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગે કહ્યું કે, ‘રાજ્યમાં ડરનો માહોલ છે, ગેંગસ્ટરને મોહાલીમાં ઠાર કરાયો છે, સિદ્ધુ મુસેવાલા માર્યો ગયો. પંજાબના લોકોનું મન વ્યથિત થઈ રહ્યું છે અને તેમને આજે પણ ન્યાય મળતો નથી. આરોપીઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને આ લોકો જેમની પાસેથી લાંચની માંગ કરાઈ રહી છે તેમની તરફ સરકારનું ધ્યાન દોરવા માંગે છે.’ જે રીતે લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)નું ઈન્ટરવ્યૂ (જેલમાં) લેવામાં આવ્યા.
મોહાલી ગેંગસ્ટરોનો ગઢ બન્યું
વાડિંગેએ ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ડીજીપી સાહેબે કહ્યું કે, આ (ઈન્ટરવ્યૂ) કેવી રીતે થયું? ત્યારબાદ બીજું ઈન્ટરવ્યૂ આવ્યું. 2023ની 9મી નવેમ્બરે હાઈકોર્ટે પણ ધ્યાને લીધું. ત્યારબાદ એડીજીપીની આગેવાનીમાં SIT રચાઈ. ગઈકાલે કોર્ટમાં તારીખ હતી. તેમણે કહ્યું અમને વધુ સમય જોઈએ. સરકાર હજુ સુધી તપાસ કરી શકી નથી કે, ગેંગસ્ટરનું ઈન્ટરવ્યૂ ક્યાં થયું? આજે મોહાલી ગેંગસ્ટરોનું ગઢ બની ગયું છે. સરકારને તેની કોઈ ચિંતા નથી.’