પૂણે : દારૂના નશામાં ડમ્પરચાલકે ફૂટપાથ પર સુતા 9 શ્રમિકોને કચડ્યાં, 2 બાળકો સહિત 3નાં મોત
Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા હતા, જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવાય છે.
અકસ્માત ક્યારે થયો હતો?
પુણેના વાઘોલીના કેસનંદ ફાટામાં મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાની પ્રાથમિક માહિતી છે. મૃતકોમાં બે બાળકો સામેલ છે જ્યારે અન્ય 6 ઘાયલ થયા છે. ઘાયલોને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફૂટપાથ પર ડમ્પરે લોકોને કચડી નાખ્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો શ્રમિક છે. તે રવિવારે (22 ડિસેમ્બર) રાત્રે કામ માટે અમરાવતીથી આવ્યા હતા. આ ફૂટપાથ પર કુલ 12 લોકો સૂતા હતા. બાકીના લોકો ફૂટપાથની બાજુના ઝૂંપડામાં સૂતા હતા. ભારે ડમ્પર સીધું ફૂટપાથ પર ચડી ગયું અને સૂતેલા લોકોને કચડી નાખ્યા.