'એ કહેતો કે મને બીજું જીવન મળ્યું, આતંકીઓએ..' પૂણેના બિઝનેસમેનનું પણ આતંકી હુમલામાં મોત
મિત્રએ બાળપણનો કિસ્સો સંભળાવતા વ્યથા ઠાલવી
Pahalgam Terror Attack: પૂણેના રહેવાસી 58 વર્ષીય બિઝનેસમેન કૌસ્તુભ ગનબોટેએ જીવનભર સખત મહેનત કરીને નમકીનનો બિઝનેસ ઊભો કર્યો હતો. જીવનની ભાગદોડમાંથી થોડી શાંતિપૂર્ણ ક્ષણ વિતાવવા માટે તેમણે જીવનમાં પહેલીવાર પૂણેથી બહાર કાશ્મીરની ઘાટીઓમાં જવાનો નિર્ણય લીધો. તેઓ પોતાની પત્ની સંગીતા અને નજીકના મિત્ર સંતોષ જગદાલેના પરિવાર સાથે પહલગામ ફરવા માટે ગયા હતા, પરંતુ આ યાત્રા તેમની છેલ્લી યાત્રા સાબિત થઈ.
મંગળવારે થયેલા આતંકી હુમલામાં કૌસ્તુભ ગનબોટે અને તેમના મિત્ર સંતોષ જગદાલેનું ગોળી વાગવાથી મોત થઈ ગયું. બંનેની પત્નીઓ અને સંતોષની પુત્રી અસાવરીનો જીવ તો બચી ગયો, પરંતુ આ હુમલામાં બે પરિવારોને ઊંડા આઘાતમાં નાખી દીધા છે.
કૌસ્તુભે પોતાના જીવનમાં ક્યારેય આટલી લાંબી રજા નહોતી લીધી
કૌસ્તુભના બાળપણના મિત્ર સુનીલ મોરેએ જણાવ્યું કે, કૌસ્તુભે પોતાના જીવનમાં ક્યારેય આટલી લાંબી રજા નહોતી લીધી. આઠ દિવસ પહેલાં તેણે મને કહ્યું હતું કે, હું કાશ્મીર જઈ રહ્યો છું, તે ખૂબ જ ઉત્સાહિત હતો. આ પહેલી વાર હતું જ્યારે તે પોતાની પત્ની સાથે શહેરની બહાર જઈ રહ્યો હતો.
રસ્તા પાસેની સાંકડી ગલીઓમાં રહેતો કૌસ્તુભ તાજેતરમાં જ કોંઢવા-સાસવડ રોડ પર નવા ઘરમાં શિફ્ટ થયો હતો, જ્યાં તેની એક ફેક્ટરી પણ હતી. તે થોડા સમય પહેલાં જ દાદા બન્યો હતો.
આ પણ વાંચો: પહલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ
બીજું જીવન મળ્યું અને આતંકીઓએ એ પણ છીનવી લીધું
સુનિલ મોરેએ યાદ કરતાં કહ્યું કે, વીસ વર્ષ પહેલાં એક ટેમ્પો અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે કહેતો હતો કે મને બીજું જીવન મળ્યું છે, પરંતુ આતંકવાદીઓએ એ પણ છીનવી લીધું.
બંનેના મૃતદેહને પૂણે ઍરપોર્ટ લાવવામાં આવ્યા
સંતોષ જગદાલે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર હતા તે કૌસ્તુભનો મિત્ર જ નહોતો તે તેના વ્યવસાયના માર્કેટિંગમાં પણ મદદ કરતો હતો. સંગીતના શોખીન સંતોષ હાર્મોનિયમ પણ વગાડતા હતા. ગુરુવારે સવારે લગભગ 5:30 વાગ્યે બંનેના મૃતદેહને પૂણે ઍરપોર્ટ લાવવામાં આવ્યા હતા, જ્યાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ પણ હાજર હતા. મૃતદેહોને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ સવારે 9:00 વાગ્યે વૈકુંઠ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.