આઝાદીના 75 વર્ષની અનોખી ભેટ: 7500 સૈનિકોને વીંટી ગિફ્ટ આપશે આ કંપની
નવી દિલ્હી, તા. 16 જુલાઇ 2022, શનિવાર
ભારત આગામી મહિને 15મી ઓગષ્ટના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળ્યાના 75 વર્ષની ઐતિહાસિક ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. આઝાદીની આ 75મી વર્ષગાંઠને એક જ્વેલરી કંપનીએ અનોખી રીતે ઉજવવાની તૈયારી કરી છે. આ કંપનીએ ભારતના આઝાદીના જશ્નને ચાર ચાંદ લગાડવા માટે દેશની રક્ષા કાજે હરહંમેશ તત્પર રહેતા સૈનિકોને એક નાની પણ અમૂલ્ય ભેટ આપવાનો નિર્ણય કર્યો છે.
જ્વેલરી નિર્માતા બોનિસાએ સ્વતંત્રતાના 75માં વર્ષમાં વિવિધ રાજ્યોના સૈનિકોને સોના, ચાંદી, હીરા અને માટીથી બનેલી વીંટી ભેટ આપવાની જાહેરાત કરી છે. દેશની સુરક્ષા માટે સતત સરહદ પર ફરજ બજાવતા સોલ્જરોને કંપની 'કમિટમેન્ટ રિંગ્સ' ભેટ આપવા જઈ રહી છે.
કંપની આ 'કમિટમેન્ટ રિંગ્સ' ભેટ આપવા માટે 'વન ઈન્ડિયા કેમ્પેઈન' શરૂ કરી રહી છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ રિંગ આ વર્ષે કુલ 7500 સૈનિકોને 'ભારતના અમૃત મહોત્સવ' પ્રસંગે ભેટ તરીકે આપવામાં આવશે, જે ભારતની આઝાદીના 75માં વર્ષ પેટે ઉજવવામાં આવી રહી છે.
આ પહેલના ભાગરૂપે ગુરુવારે ખડકીમાં પેરાપ્લેજિક રિહેબિલિટેશન સેન્ટર (PRC) ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન 88 નિવૃત્ત સૈનિકોને 'એક ઈન્ડિયા રિંગ' આપવામાં આવી હતી.
બોનિસા બ્રાંડ ધરાવતી સંબલ જ્વેલરી એલએલપીના ભાગીદાર સંકેત બિયાનીએ જણાવ્યું હતું કે તેમની કંપની આ વર્ષે 7500 સૈનિકોને રિંગ આપવાનું લક્ષ્ય ધરાવે છે.
વીંટીની ખાસિયતો સમજાવતાં તેમણે કહ્યું કે, "આ વીંટી ચાંદીની બનેલી છે અને તેના પર લખેલ ભારત એ સોનાનો ઢોળ ચડાવેલું છે. આ સોનામાં લિખિત ભારત જુના પારંપરિક વૈવિધ્યપૂર્ણ 'સુવર્ણ પક્ષી' ભારતને પ્રતિબિંબિત કરે છે. તે 'પ્રતિબદ્ધતાની વીંટી' દેશની એકતાનું પ્રતિક છે."