પૂણેમાં મોટી દુર્ઘટના, ફૂડ ફેક્ટરીમાં ખતરનાક ગેસ લીક, 17 લોકોની હાલત બગડતાં હૉસ્પિટલ ભેગાં
Pune Food Factory: બુધવારે મહારાષ્ટ્રના પૂણેમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં મોટી દુર્ઘટના ટળી હતી. ફેક્ટરીની અંદર અચાનક જ ખતરનાક એમોનિયા ગેસ લીક થયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. લોકોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તમામ સુરક્ષિત છે. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.
યવત વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં ખતરનાક એમોનિયા ગેસ લીક
પૂણે જિલ્લાના યવત વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં ખતરનાક એમોનિયા ગેસ લીક થયા બાદ 17 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સવારે રેડી ટુ ઇટ ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં બની હતી. હૉસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી એક મહિલાને હાલમાં સંભાળ અને દેખરેખ માટે ICUમાં રાખવામાં આવી છે.
લીકની ઘટનાથી 17 લોકો પ્રભાવિત થયા
યવત પોલીસના વરિષ્ઠ નિરીક્ષક, નારાયણ દેશમુખે જણાવ્યું હતું કે ગેસ લીકની ઘટનાથી 17 લોકો પ્રભાવિત થયા હતા. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, 'તેમની હાલત સ્થિર અને ખતરાની બહાર છે. જો કે, સાવચેતીના ભાગરૂપે, તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. લીકેજ સાઇટની નજીક હાજર મહિલાને સારી સંભાળ અને દેખરેખ માટે ICUમાં દાખલ કરવામાં આવી છે.'