પુલવામામાં સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા, અથડામણ શરુ, સમગ્ર વિસ્તારની કરાઈ ઘેરાબંધી
આ વિસ્તારમાં 1 થી 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા
Pulwama Encounter: આજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. પુલવામાના પરિગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ હજુ પણ શરુ છે. આ વિસ્તારમાં આતંકી ગતિવિધિની જાણ થતા જ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. આ વિસ્તારમાં 1 થી 2 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.
બે દિવસ પહેલા શોપિયામાં થઈ હતી અથડામણ
બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સાથે સુરક્ષાદળોએ હથિયાર અને દારૂ-ગોળા જપ્ત કર્યા હતા. આ અંગેની જાણકરી જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટર પર આપી હતી. વિસ્તારમાં જવાનોની હિલચાલ જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં ઠાર થયેલ આતંકવાદી TRAS સંગઠન સાથે સંકળાયેલો હતો.
કુલગામમાં 2 આતંકવાદીઓ ઠાર
ગયા મહિને 4 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જિલ્લામાં આતંકીઓની માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. બંને આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હતા.