પુલિત્ઝર વિજેતા સના ઈરશાદ મટ્ટૂને ફરી એક વખત વિદેશ જતા અટકાવાઈ
- સના ઈરશાદ મટ્ટૂને જુલાઈમાં પણ વિદેશ જતા અટકાવવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2022, બુધવાર
પુલિત્ઝર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટુએ મંગળવારે જણાવ્યું હતું કે, તેને આ વર્ષે બીજી વખત દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ વિદેશ જતા અટકાવી છે. તેને જુલાઈમાં પણ અટકાવવામાં આવી હતી. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી કે, હું પુલિત્ઝર પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે ન્યૂયોર્ક જઈ રહી હતી પરંતુ મને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન પર રોકી દેવામાં આવી હતી અને માન્ય યુએસ વિઝા અને ટિકિટ હોવા છતાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સના ઇર્શાદ મટ્ટુએ કહ્યું કે, આ બીજી વખત છે જ્યારે મને કોઈ કારણ વગર રોકવામાં આવી છે. થોડા મહિના પહેલા જે બન્યું તે બાદ ઘણા અધિકારીઓ સુધી પહોંચવા છતાં પણ મને કોઈ પ્રતિક્રિયા ન મળી. જીવનમાં એક વખત પુરસ્કાર સમારોહમાં સામેલ થવાનો અવસર હતો.
જુલાઈમાં તેમને પુરસ્કારના વિજેતાઓમાંના એક તરીકે પુસ્તક વિમોચન અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે દિલ્હીથી પેરિસ જતા અટકાવવામાં આવી હતી. મટ્ટુએ તે સમયે આરોપ લગાવ્યો હતો કે, ઈમિગ્રેશન અધિકારીઓએ તેને વિદેશ જતા રોકવા માટે કોઈ કારણ આપ્યું ન હતું સિવાય કે પ્રતિબંધો હોવાથી તે વિદેશ પ્રવાસ નથી કરી શકતી.
સરકારની આકરી ટીકાને કારણે આ વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 180 દેશોમાંથી 142માં સ્થાનેથી ઘટીને 150માં સ્થાને આવી ગયું છે.
2018થી જમ્મુ અને કાશ્મીરમાં ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા સના ઈર્શાદ મટ્ટૂ સમાચાર એજન્સી રોઈટર્સની ટીમના ભાગ રૂપે ભારતમાં COVID-19 કટોકટીના કવરેજ માટે ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં 2022 પુલિત્ઝર પ્રાઈઝ વિજેતાઓમાંથી એક છે.