જાહેર સંપત્તિને નુકસાન કરનારની ખેર નહીં, જામીન પણ મુશ્કેલ બનશે, કાયદા પંચની કડક ભલામણ

જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ પર સકંજો કસવા કાયદા પંચે કેન્દ્રને ભલામણ કરી

જાહેર સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ, કોઈને પણ નુકસાન કરવાનો અધિકાર નહીં : કાયદા પંચ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
જાહેર સંપત્તિને નુકસાન કરનારની ખેર નહીં, જામીન પણ મુશ્કેલ બનશે, કાયદા પંચની કડક ભલામણ 1 - image


Public Property Damage Act : જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ પર સકંજો કસવા કાયદા પંચે (Law Commission) કેન્દ્ર સરકાર (Center Government)ને કડક ભલામણ કરી છે. આરોપી જ્યાં સુધી નુકસાન કરેલી જેટલી રકમ ન ભરે, ત્યાં સુધી તેના જમીન ન કરવા પંચે ભલામણ કરી છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી (PDPP) એક્ટમાં પણ સુધારા કરવાની સલાહ આપી છે. આ ભલામણ કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ ઋતુ રાજ અવસ્થીની આગેવાની હેઠળની કમિટીના રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, જાહેર સંપત્તિને નુકસાન કરવાના મામલામાં પીડીપીપી કાયદા હેઠળના ગુનાઓ માટે દોષિત ઠેરવવા અને સજાનો ડર પૂરતો નથી.

જાહેર સંપત્તિમાં જેટલું નુકસાન થશે તેટલી રકમ ચુકવવી પડશે

કાયદા પંચે કહ્યું કે, જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓની જામીનની શરતો વધુ કડક હોવી જોઈએ. જ્યાં સુધી આરોપી સાર્વજનિક સંપત્તિની અંદાજીત રકમ જમા ન કરે, ત્યાં સુધી તેને જામીન આપવામાં ન આવે. કેન્દ્ર સરકારે 2015માં પીડીપીપી એક્ટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. 

અગાઉ ગૃહમંત્રાલયે ડ્રાફ્ટ જારી કર્યો હતો

ગૃહ મંત્રાલયે જાહેર મિલકત નુકસાન નિવારણ એક્ટ (સુધારો) બિલ-2015નો એક ડ્રાફ્ટ જારી કર્યો હતો અને તે અંગે વાંધા અને સૂચનો માગ્યા હતા. જોકે વર્તમાન એક્ટમાં સુધારાનો પ્રસ્તાવ આગળ વધ્યો નહતો. કાયદા પંચે રિપોર્ટમાં કહ્યું છે કે, આપણા દેશમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાની ઘટનાઓ મોટાપ્રમાણમાં થાય છે અને હજુ પણ આવી ઘટનાઓ બનતી રહે છે.

જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓને દંડ કરવો જોઈએ

પંચે વધુમાં કહ્યું કે, જાહેર સંપત્તિની સુરક્ષા કરવાનો તમામ નાગરિકોનો મૌલિક અધિકાર છે. આ ઉપરાંત તેની સુરક્ષા કરવી તેમના હિતમાં પણ છે. ભલે ગમે તે કારણ હોય, પરંતુ કોઈને પણ જાહેર સંપત્તિ નષ્ટ કરવાની મંજૂરી ન આપી શકાય. સંપત્તિને નુકસાન કરવું સરળ છે, પણ તેને બનાવવી અઘરી છે. રિપોર્ટમાં જાહેર સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કરાયો છે અને કહેવાયું છે કે, સંપત્તિને નુકસાન કરવાની બાબતને ગંભીરતાથી લેવું જોઈએ અને ગુનેગારો દંડ કરવો જોઈએ.


Google NewsGoogle News