પીએસઆઇએ એકલા હાથે સાત લૂટારાઓનો સામનો કરી ચાર કરોડની લૂંટ રોકી
- પ. બંગાળના રાનીગંજની જ્વેલરી દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ
- એક આરોપીની ધરપકડ : અન્યની શોધ ચાલુ : પ. બંગાળ પોલીસે પીએસઆઇની બહાદુરીની વિગતો એક્સ પર શેર કરી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચોરીના નિષ્ફળ પ્રયાસનો એક આશ્ચર્યજનક કેસ કાસમે આવ્યો છે. આ ઘટના ગયા સપ્તાહની છે પણ આજે તેનો વીડિયો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના રાનીગંજમાં એક જ્વેલરીની દુકાન પર સાત સભ્યોના જૂથે ચાર કરોડની લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસ અધિકારીની બહાદુરીને પગલે તેઓ લૂંટ કરી શક્યા ન હતાં.
દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સબ ઇન્સ્પેક્ટર મેઘનાદ મંડલ વીજળીના થાંભળાની પાછળ લૂંટારાઓ સાથે ગોળીબાર કરતા જોવા મળે છે. પશ્ચિમ બંગાળ પોલીસે સમગ્ર ઘટનાની વિગતો એક્સ પર શેર કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર લૂટારાઓ ભાગી ગયા તે પહેલા ૨ાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકી આરોપીઓની શોધ ચાલુ છે.
પિસ્તોલ, મશીન ગન અને રાયફલ સાથે માસ્ક પહેરીને આવેલા સાત લૂટારાઓ જ્વેલરીની દુકાનમાં ઘુસી ગયા હતાં. જેના કારણે દુકાનના માલિક અને ગ્રાહકો ડરી ગયા હતાં. થોડીક જ મિનિટોમાં લૂટારાઓએ ૪ કરોડ રૂપિયાના ઘરેણા લૂટી લીધા હતાં. જો કે તે જ સમયે પોલીસ અધિકારી અન્ય કામથી ત્યાં આવેલા હતાં.
તે સાદા કપડામાં હતાં પણ તેમની પાસે સર્વિસ રિવોલ્વર હતી. સબ ઇન્સ્પેક્ટર મેઘનાદ મંડલ વીજળીના થાંભલાની પાછળ રિવોલ્વરની સાથે તૈયાર થઇ ગયા હતાં. જો કે એક લૂટારો તેમને જોઇ ગયો હતો અને તેણે પોતાના અન્ય સાથીઓને એલર્ટ કરી દીધા. જેના પગલે લૂટારાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. જો કે પોલીસ અધિકારી નીડરતાથી ત્યાં ઉભા રહ્યાં અને જવાબી કાર્યવાહી કરતા રહ્યાં હતાં.
તેમના ફાયરિંગમાં એક લૂટારો ઘાયલ થઇ ગયો હતો. પોલીસ અધિકારીની નીડરતાને પગલે અન્ય આરોપીઓએ પણ ભાગી ગયા હતાં. તેઓ ઉતાવળમાં જ્વેલરી ભરેલી બેગ પણ સાથે લઇ જવાનું ભૂલી ગયા હતાં.