ફડણવીસ સરકારના નિર્ણય સામે શિવસૈનિકો લાલઘૂમ, શિંદેના ઘર સામે આક્રમક દેખાવો
Maharashtra Nasik Guardian Minister: મહારાષ્ટ્રમાં નાસિક અને રાયગડના પ્રભારી મંત્રીઓ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. શિવસેનાના નેતા અને રોજગાર ગેરેંટી મંત્રી ભરત ગોગાવલેના સમર્થકોએ પક્ષના અધ્યક્ષ એકનાથ શિંદેના ઘરે ધરણા શરૂ કર્યા છે. મંગળવાર સાંજે સાઉથ મુંબઈમાં સ્થિત એકનાથ શિંદેના નિવાસ મુક્તાગિરીની બહાર ગોગાવલેના સમર્થકોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. શિવસેનાના કોઈપણ નેતાને પ્રભારી મંત્રી ન બનાવતાં પક્ષ સતત વિરોધ કરી રહ્યું છે. જેના લીધે દેવેન્દ્ર ફડણવીસ સરકારે નાસિકમાં ગિરીશ મહાજન અને રાયગડમાં એનસીપી અદિતિ તટકરેને પ્રભારી મંત્રી બનાવવાના આદેશ પર પ્રતિબંધ લાદ્યો હતો.
મુખ્યમંત્રી સાથે કરશે બેઠક
શિવસેનાએ રાયગડ જિલ્લાના પ્રભારી મંત્રી (ગાર્ડિયન મિનિસ્ટર) ગોગાવલેને બનાવવાની માગ કરી છે. આ મુદ્દે ગોગાવલેના સમર્થક બે ધારાસભ્ય મહેન્દ્ર થોર્વે અને મહેન્દ્ર ડલવી રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. ગોગાવલે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જનાધાર રાખતાં હોવાથી શિવસેનાએ આ માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના એનસીપી નેતા અદિતિ તટકરેને રાયગડના પ્રભારી મંત્રી બનાવવામાં આવતાં આક્રોશમાં છે. પ્રભારી મંત્રીની પસંદગીમાં મહાયુતિ સરકારે શિવસેનાને અવગણી હોવાનો આરોપ મૂકાઈ રહ્યો છે.
નાસિકમાં દાદા ભૂસેએ કર્યો વિરોધ
નાસિકમાં ભાજપ નેતા ગિરીશ મહાજનને પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. જેનો શિવસેનામાંથી ધારાસભ્ય દાદા ભૂસે અને તેમના સમર્થક વિરોધ કરી રહ્યા છે. દાદા ભૂસેએ અગાઉ આ જિલ્લાની જવાબદારી સંભાળી હતી. શનિવારે ગોગાવલેના સમર્થકોએ મુંબઈ અને ગોવા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બીજી તરફ રાયગડમાં ગોગાવલે અને તટકરે વચ્ચે લાંબા સમયથી મતભેદો છે. બંને એકબીજાની વિરૂદ્ધ રાજકારણના દાંવ રમે છે. હવે એક જ સરકારમાં સામેલ હોવા છતાં તેમના સંબંધોની આ ખટાશ દૂર થઈ શકી નથી. નોંધનીય છે કે, આ દેખાવો વચ્ચે 26 જાન્યુઆરીએ આ જિલ્લામાં આયોજિત 26 જાન્યુઆરીની ઉજવણીમાં મહાજન અને તટકરે જ ધ્વજવંદન કરશે. જેથી મહાયુતિ સરકાર શિવસેનાની આ માગ સ્વીકારશે કે નહીં, તે મુદ્દે ચિંતા વધી છે.