ઉદયપુરના પૂર્વ રાજપરિવારમાં સંપત્તિનો વિવાદ : જૂથ અથડામણમાં ત્રણ ઘાયલ
- કાકાએ ભત્રીજાને પેલેસમાં પ્રવેશ ના આપ્યો
- વિશ્વરાજના સમર્થકોએ પોલીસના બેરિકેડ્સ તોડી સિટી પેલેસમાં પ્રવેશવા પ્રયાસ કરતા વિવાદ વકર્યો હતો
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજપરિવાર વચ્ચે સંપત્તિને લઇને ચાલી રહેલી ખેંચતાણ હવે રસ્તા પર જોવા મળી રહી છે. આ પરિવારમાં હાલ બે જૂથ પડી ગયા છે, મંગળવારે અહીંના પ્રખ્યાત સિટી પેલેસની બહાર આ બન્ને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં ત્રણ લોકો ઘવાયા હતા. ચિત્તોડગઢ નાથદ્વારના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ રાજપરિવારના સભ્ય વિશ્વરાજસિંહ મેવાડનો પ્રતિકાત્મક રાજતિલક કરાયા બાદ સિટી પેલેસમાં જવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. જોકે તેમના કાકા અરવિંદસિંહ મેવાડ દ્વારા તેમને પ્રવેશ નહોતો કરવા દેવાયો જેથી વિશ્વરાજસિંહના સમર્થકો ઉશ્કેરાયા હતા.
હાલમાં ભાજપના નાથદ્વારાના ધારાસભ્ય વિશ્વરાજસિંહ મેવાડે પોતાના રાજતિલકનો સમારોહ યોજ્યો હતો, આ સમારોહ પૂર્ણ થયા બાદ તેઓએ ઉદયપુર સિટી પેલેસમાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો હતો. જોકે તેમને સિટી પેલેસ સંભાળનારા અરવિંદસિંહ મેવાડ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. વિશ્વરાજસિંહ અને તેના સમર્થકો ગુસ્સે ભરાયા અને બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતા ગેટ ના ખુલાતા તેમના સમર્થકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બાદમાં સિટી પેલેસ સંભાળનારા અરવિંદસિંહના સમર્થકોએ પણ સામે હુમલા શરૂ કરી દીધા હતા. સામસામે આ હુમલામાં ત્રણ લોકો ઘવાયા હતા.
ઘટના બાદ વિશ્વરાજસિંહે જણાવ્યું હતું કે રીવાજ પુરો કરતા અટકાવવામાં આવી રહ્યો છે. રાજતિલક કાર્યક્રમ ૪૫૨ વર્ષ જુની પરંપરાનો હિસ્સો છે, બીજી તરફ ઉદયપુર સિટી પેલેસ તરફથી જણાવાયું હતું કે વિશ્વરાજસિંહ ટ્રસ્ટી ના હોવાથી તેમજ સુરક્ષાના કારણોસર તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જ્યારે ઉદયપુર પોલીસે જણાવ્યું હતું કે અમે વિશ્વરાજસિંહ અને તેમના સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને હાલ મામલો શાંત પાડયો છે. ઉદયપુરના પૂર્વ રાજપરિવાર વચ્ચે વર્ષોથી સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભગવતસિંહ મેવાડના બે પુત્રો મહેન્દ્રસિંહ મેવાડ અને અરવિંદસિંહ મેવાડ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં મહેન્દ્રસિંહનું નિધન થતા હવે તેમના પુત્ર વિશ્વરાજસિંહ સંપત્તિ પર દાવો કરી રહ્યા છે. જ્યારે ભગવતસિંહ મેવાડની વીલના આધારે અરવિંદસિંહ મેવાડ સિટી પેલેસ અને અન્ય કેટલીક સંપત્તિની માલિકીનો કોર્ટમાં અધિકાર મેળવી ચુક્યા છે.