'બજારથી લાવેલા પ્રસાદ પર પ્રતિબંધ, હવે...' તિરુપતિ વિવાદ બાદ મનકામેશ્વર મંદિરનો મોટો નિર્ણય
Representative image |
Mankameshwar temple in Uttar Pradesh: આંધ્ર પ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ ભેળસેળના મામલાની અસર દેશના અન્ય મંદિરો પર પણ જોવા મળી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ ઘણા મંદિરોએ પ્રસાદને લઈને તકેદારી વધારી દીધી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉના મનકામેશ્વર મંદિરમાં બજારમાંથી ખરીદાયેલા પ્રસાદ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બજારના પ્રસાદ પર પ્રતિબંધ
તિરુપતિ લાડુ વિવાદ બાદ મનકામેશ્વર મંદિરના મહંત દિવ્યગીરીએ કહ્યું કે,'બહારથી લાવવામાં આવેલ પ્રસાદને મંદિરમાં ચઢાવવામાં નહીં આવે. ભક્તોએ ગર્ભગૃહમાં અર્પણ કરવા માટે પૂજારીને તેમના ઘરેથી તૈયાર કરેલો પ્રસાદ અથવા સૂકો મેવો જ આપવો જોઈએ. આ સિસ્ટમ સોમવાર (23મી સપ્ટેમ્બર) સવારથી અમલમાં આવશે.'
આ પણ વાંચો: મહેસાણા ભાજપના યુવા નેતાની કરતૂત, દુષ્કર્મ કેસમાં જેલહવાલે, ગૃહમંત્રી સાથેના ફોટા ચર્ચામાં
શું છે તિરુપતિ મંદિરનો વિવાદ?
થોડા દિવસો પહેલા એક લેબ રિપોર્ટને ટાંકીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, 'લેબ ટેસ્ટમાં ઘીના નમૂનામાં પ્રાણીની ચરબી હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી તિરુપતિ મંદિરનો લાડુ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો હતો.'
તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપની એઆર ડેરીને જગન મોહન રેડ્ડીની સરકરા દરમિયાન કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ દરમિયાન આંધ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાયએસ શર્મિલા રેડ્ડીએ શનિવારે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલ અબ્દુલ નઝીરને મળ્યા હતા અને તિરુમાલા લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની કથિત ભેળસેળની સીબીઆઈ તપાસ માટે વિનંતી કરી હતી. પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીએ પણ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ચંદ્રાબાબુ નાયડુના આરોપોની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ટીડીપી રાજકીય લાભ માટે આવા પાયાવિહોણા આરોપો કરી રહી છે.