3 વર્ષમાં કંપનીનો નફો 215 કરોડ, તો 1368 કેવી રીતે દાન કર્યા..?' ચૂંટણી બોન્ડમાં નવા ખુલાસા
- કેટલીક એવી પણ કંપની છે જેણે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો દાન કરી દીધો છે
નવી દિલ્હી, તા. 15 માર્ચ 2024, શનિવાર
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે 'આવક આઠ આના અને ખર્ચ રૂપિયો'. ભારતીય સ્ટેટ બેંક દ્વારા ચૂંટણી બોન્ડ અંગે વિગતો જાહેર કર્યા બાદ આ કહેવત સાચી સાબિત થઈ રહી છે. ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડે 12 એપ્રિલ 2019 અને 24 જાન્યુઆરી 2024 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા 1368 રૂપિયાનું દાન રાજકીય પાર્ટીને આપવામાં આવ્યુ છે. આ રકમ કંપનીના ત્રણ વર્ષોના રૂ. 215 કરોડના ચોખ્ખા નફાના છ ગણા કરતાં વધુ છે.
પાંચ વર્ષના સમયગાળામાં ચૂંટણી બોન્ડ દ્વારા 50 કરોડ રૂપિયાથી વધુ દાન આપતી કોર્પોરેટ સંસ્થાઓની યાદીમાં એવી કેટલીક કંપનીઓ સામેલ છે જેણે નફા કરતા વધુ દાન કર્યું છે.
કેટલીક એવી પણ કંપની છે જેણે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો દાન કરી દીધો છે. IFB એગ્રો ઈન્ડસ્ટ્રીઝને 2019-20 થી 2022-23 સુધી 175 કરોડનો સંયુક્ત ચોખ્ખો નફો થયો હતો. તેણે 92 કરોડ રૂપિયા દાન કર્યા. એ જ રીતે હલ્દિયા એનર્જીએ ત્રણ વર્ષમાં 1013 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તેણે 377 કરોડ રૂપિયા એટલે કે, પોતાની કમાણીના લગભગ 37% દાન કરી દીધુ હતું.
મોટી કંપનીઓમાં વેદાંત, જિંદલ સ્ટીલ એન્ડ પાવર અને ફાર્મા પ્રમુખ ડો રેડ્ડીજ અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ જેવી કંપનીઓ સામેલ છે. તેણે 50 કરોડ રૂપિયા કે તેથી વધુનું દાન કર્યું છે. ચાર વર્ષોમાં તેમના ચોખ્ખા નફાનું દાન 1% કરતા પણ ઓછું છે. કેટલીક કંપનીઓએ 2-4% દાન આપ્યું છે.
ભારતની સૌથી સફળ ટેલિકોમ કંપનીઓમાંથી એક ભારતી એરટેલ ચાર વર્ષથી ઘાટામાં છે. તેણે 198 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.