Get The App

'ચાર બાળકો પેદા કરો, એક લાખનું ઈનામ મેળવો': પરશુરામ કલ્યાણ બોર્ડ

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
'ચાર બાળકો પેદા કરો, એક લાખનું ઈનામ મેળવો': પરશુરામ કલ્યાણ બોર્ડ 1 - image


- મધ્ય પ્રદેશ સરકાર સંચાલિત બોર્ડે વિવાદ છેડયો

- બ્રાહ્મણ સમાજને લધુમતી બનતો રોકવા માટે સંખ્યા વધારો નહીં તો વિધર્મીઓ દેશ પર કબજો જમાવી લેશે : રાજોરિયા

 મધ્ય પ્રદેશમાં બ્રાહ્મણ સમાજની બેઠકમાં બાળકોની સંખ્યા વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ભોપાલમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા સંચાલિત પરશુરામ કલ્યાણ બોર્ડે કહ્યું છે કે, બ્રાહ્મણ સમાજે સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા જોઈએ નહીં તો વિધર્મીઓ દેશ પર કબજો જમાવી લેશે. આ સાથે જ એલાન કરવામાં આવ્યું હતું કે, ચાર બાળકો પેદા કરનાર બ્રાહ્મણ યુવાન દંપત્તિઓને રૂપિયા ૧ લાખની રોકડ ઈનામી રાશિ આપવામાં આવશે. 

મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા પરશુરામ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પંડિત વિષ્ણુ રાજોરિયાએ કહ્યું કે, 'સમાજમાં સારા હોદ્દા અને પદ મેળવનાર યુવાનો એક બાળકની નીતિ પર પૂર્ણવિરામ લગાવે કારણ કે, તે ખોટુ છે. બ્રાહ્મણો પહેલાથી જ લધુમતી બનવા તરફ આગળ વધી રહ્યાં છીએ ત્યારે બાળકો પેદા કરવાની નીતિથી પાછળ ન હટવું જોઈએ.'હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિંદુ સમાજને વધારે બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. આ સિવાય અનેક સાધુ-સંતો આ પ્રકારના નિવેદન આપી ચૂક્યા છે. 

પરશુરામ કલ્યાણ બોર્ડના નિવેદન પર કોંગ્રેસ નેતાએ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેમણે નિવેદન પર ફેરવિચારણા કરવાની જરૂર છે. જનસંખ્યા વૃદ્ધિ વિશ્વભરની મોટી સમસ્યા તરીકે ઊભરી રહી છે ત્યારે, ઓછા બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી આસાન બનશે. દેશમાં ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે કે, મુસલમાનોની સંખ્યા વધી જશે. આ એક કાલ્પનિક વિચાર છે. આપણો દેશ ત્યારે જ શક્તિશાળી બનશે જ્યારે આપણે આપણી વચ્ચે એકતા હશે. 

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશ યુનિટે પરશુરામ કલ્યાણ બોર્ડના નિવેદનથી પાર્ટીને કોઈ લેવાદેવા ન હોવાનું કહ્યું હતું. પાર્ટીએ કહ્યું કે, ભાજપ સરકાર નિયમો અને બંધારણ અનુસાર કામ કરે છે. સરકારનું માનવું છે કે, વધારે બાળકો પેદા કરવાનો નિર્ણય પાર્ટીનો નહીં માતા-પિતાનો હોય છે.


Google NewsGoogle News