આગ્રામાં શોભાયાત્રાઃ મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવનાર સામે કેસ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
આગ્રામાં શોભાયાત્રાઃ મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવનાર સામે કેસ 1 - image


- પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 11ને પકડયા

- પોલીસની સૂઝબૂઝથી મામલો વધારે બગડતો અટક્યો, 1000 લોકો સામે ફરિયાદ 

આગ્રા : ઉત્તરપ્રદેશમાં આગ્રા ખાતે એક મસ્જિદ પર ભગવા ઝંડો ફરકાવવાનો કિસ્સો સામે આવ્યો છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા ચાલતી હતી ત્યારે આગ્રામાં નીકળેલી શોભાયાત્રામાં કેટલાક યુવાનોએ આ હરકત કરી હતી. 

લગભગ અડધો ડઝન યુવાનો ધાર્મિક ઝુલુસમાંથી નીકળી ગયા અને મસ્જિદની છત પર ચઢી ગયા અને ત્યાં ભગવો લગાવ્યો. આ સૂચના મળતા જ પોલીસની મોટી ટુકડી ત્યાં પહોંચી ગઈ. તેણે ઝંડો અને તેને લગાવનાર લોકોને હટાવ્યા. પોલીસે તેની સૂઝબૂઝથી મામલો વધુ વણસતો અટકાવ્યો. પોલીસે ૧૦૦૦થી ૧,૫૦૦ સામે એફઆઇઆર નોંધી છે. 

આ ઘટના ૨૨ જાન્યુઆરીની બતાવાઈ રહી છે. વિડીયોના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી છે. હાલમાં તો આ યાત્રાના આયોજકો સહિત ૧૧ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો તાજગંજ ક્ષેત્રના બિલ્લોચપુરા શાહી મસ્જિદનો છે. આ મસ્જિદ પર ભગવો ફરકાવાયો હતો. તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો.

આ વિડીયો ૨૯ સેકન્ડનો છે. તેમા પાંચ યુવાનોને મસ્જિદની છત પર ભગવો ફરકાવતા જોઈ શકાય છે. આજુબાજુમાં ભારે ભીડ છે. વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. પોસ્ટ કરનારે કેપ્શનમાં લખ્યું છે કે તાજગંજની શાહી મસ્જિદ પર ઝંડો ફરકાવવામાં આવ્યો છે. આ ઘટના ૨૨ જાન્યુઆરીના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાની છે. 


Google NewsGoogle News