'ન્યાય પ્રક્રિયા સજા બની ગઈ છે, લોકો કોર્ટ કેસથી એટલા કંટાળી ગયા છે કે...' CJI DY ચંદ્રચુડની લોક અદાલત મુદ્દે મોટી ટકોર

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
CJI Chandrachud


CJI Chandrachud On Court Cases: દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે શનિવારે અદાલતોમાં ન્યાય મેળવવામાં આવતી મુશ્કેલીઓ પર આક્રોશ વ્યકત કર્યો છે. તેમણે ન્યાય પ્રક્રિયા લોકો માટે એક સજા સમાન બની ગઈ હોવાનો  પણ સ્વીકાર કર્યો છે અને સેટલમેન્ટ માટે ઉભી કરેલી લોક અદાલતને પણ મહદઅંશે નકારી કાઢી છે.

સીજેઆઈએ કહ્યું કે, લોકો કોર્ટ કેસથી એટલા કંટાળી ગયા છે કે તેઓ માત્ર સમાધાન ઈચ્છે છે. લોક અદાલતો એવા મંચ છે કે જ્યાં વિવાદો અને પેન્ડિંગ કેસ અથવા કોર્ટમાં મુકદ્દમા પહેલા જ સુમેળપૂર્વક સેટલમેન્ટ એટલેકે સમાધાન કરવામાં આવે છે. પરસ્પર સહમતિથી થયેલા આ કરાર વિરુદ્ધ કોઈ અપીલ પણ દાખલ કરી શકાતી નથી. 

તેમણે વધુમાં કહ્યું કે, "લોકો કોર્ટના કેસથી એટલા પરેશાન થઈ જાય છે કે, તેઓ માત્ર સમાધાન જ ઈચ્છે છે. પોતાના કાનૂની અધિકારોથી વંચિત રહીને પણ તેમને માત્ર કોર્ટથી દૂર જ થવું હોય છે. ખરા અર્થમાં જોઈએ તો આ પ્રક્રિયા પોતે જ સજા બની ગઈ છે અને આપણા બધા જજ માટે આ ચિંતાનો વિષય છે."

“આ સેટલમેન્ટ પ્રથા સમાજમાં પૂર્વ-અસ્તિત્વમાં રહેલી અસમાનતાને પ્રતિબિંબિત કરે છે તેથી ન્યાયાધીશો તરીકે આપણે પ્રયાસ કરવો જોઈએ અને તમામ બાબતે સેટલમેન્ટને સ્વીકારવા ન દેવી જોઈએ. અમે પ્રયાસ કરીશું કે તમામને વધુ સારું પરિણામ મળે” સીજેઆઈએ એક વાહન અકસ્માતના ઉદાહરણને ટાંકતા આ નિવેદન આપ્યું છે. મોટર અકસ્માતના કેસમાં 8 લાખ રૂપિયાના દાવાના હકદાર હોવા છતા સેટલમેન્ટમાં વળતર પેટે ફરિયાદી 5 લાખ રૂપિયા પણ સ્વીકારીને કેસની પતાવટ માટે આગળ વધવા તત્પર હતા. આમ ન્યાયતંત્રમાં હવે લોકોને જે કઈંપણ ઓફર કરવામાં આવે છે તે સમાધાન તરીકે સ્વીકારી લે છે કારણકે તેઓ ન્યાયિક પ્રક્રિયાથી કંટાળી ગયા છે અને માત્ર અદાલતોથી દૂર જવા માંગે છે.

CJIએ 29 જુલાઈથી શરૂ થયેલા અને 2 ઓગસ્ટના રોજ પૂરા થયેલા વિશેષ લોક અદાલત સપ્તાહના એક કાર્યક્રમમાં લોક અદાલતના આયોજનમાં બાર કાઉન્સિલ અને બેચ સહિત દરેક સ્તરે દરેક વ્યક્તિઓના સહયોગ અને સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો. CJIએ કહ્યું કે “જ્યારે લોક અદાલત માટે પેનલોની રચના કરવામાં આવી હતી ત્યારે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે દરેક પેનલમાં બે ન્યાયાધીશો અને બારના બે સભ્યો હશે. ભારતનું ન્યાયતંત્ર દેશના જજોથી નથી ચાલતું. આ ન્યાયાધીશોની, ન્યાયાધીશો માટે અને ન્યાયાધીશો દ્વારા ચાલતી સંસ્થા નથી.”

લોક અદાલતો કેમ બનાવવામાં આવી ? CJIએ આપ્યો જવાબ

ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તેમને લાગે છે કે ભલે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત હોય પરંતુ તેને દિલ્હીની સુપ્રીમ કોર્ટ તરીકે નહીં પરંતુ ભારતની સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રચુડે જણાવ્યું કે, "લોક અદાલતનો ઉદ્દેશ્ય દેશના ખૂણે-ખૂણે લોકોના ઘર સુધી ન્યાય પહોંચાડવાનો અને તેમના જીવનમાં આપણે ન્યાયતંત્ર તરીકે સતત હાજર રહીએ તે સુનિશ્ચિત કરવાનો છે."

આ પણ વાંચો: પહેલા રાજ ઠાકરે હવે શરદ પવાર...: વિરોધી નેતાઓને કેમ મળી રહ્યા છે મહારાષ્ટ્રના CM શિંદે?


Google NewsGoogle News