સિદ્ધારમૈયા સામે તપાસ કરો : સ્પેશિયલ કોર્ટનો લોકાયુક્ત પોલીસને આદેશ
- એમયુડીએ કેસમાં કર્ણાટકના સીએમની મુશ્કેલીઓ વધી
- હું કોઇ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું, ગભરાતો નથી : કોર્ટના આદેશ પછી સિદ્ધારમૈયાની પ્રતિક્રિયા
બેંગાલુરુ : કર્ણાટકની એક સ્પેશિયલ કોર્ટે મૈસૂર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (એમયુડીએ) જમીન ફાળવણી કેસમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની વિરુદ્ધ બુધવારે લોકાયુક્ત પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સ્પેશિયલ કોર્ટના ન્યાયર્ર્તિ સંતોષ ગજાનન ભટ્ટના આ આદેશના એક દિવસ અગાઉ હાઇકોર્ટે આ કેસમાં સિદ્ધારમૈયાની વિરુદ્ધ તપાસ કરાવવાની રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મંજૂરીને યોગ્ય ઠેરવી હતી.
આ કેસમાં એમયુડીએ પર સિદ્ધારમૈયાની પત્નીને જમીનના ૧૪ સાઇટ ફાળવવામાં અનિયમિતતા આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કોર્ટે રાજ્યપાલના ૧૬ ઓગસ્ટના આદેશની કાયદેસરતાને પડકારતી સિદ્ધારમૈયામની અરજી ફગાવી દીધી હતી. જે હેઠળ રાજ્યપાલે પ્રિવેન્શન ઓફ કરપ્શન (પીસી) એક્ટ, ૧૯૮૮ની કલમ ૧૭એ હેઠળ તપાસને મંજૂરી આપી હતી.
આ દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ બુધવારે ફરી એક વખત જણાવ્યું હતું કે તે એમયુડીએ જમીન ફાળવણી કેસમાં તપાસનો સામનો કરવા માટે તૈયાર છે.
સ્પેશિયલ કોર્ટ દ્વારા કેસમાં લોકાયુક્ત પોલીસને તપાસનો આદેશ આપવામાં આવ્યા પછી મુખ્યપ્રધાને જણાવ્યું છે કે તે તપાસથી ડરતા નથી.
સિદ્ધારમૈયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મેં અગાઉ પણ જણાવ્યું હતું કે હું તપાસનો સામનો કરવા માટે તૈયાર છું. હું તપાસથી ડરતો નથી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે હું કાયદાકીય લડત માટે તૈયાર છું. મેં ગઇકાલે પણ આ જ કહ્યું હતું અને આજે પણ આ જ કહી રહ્યો છું.
કર્ણાટકમાં વિપક્ષી દળો ભાજપ અને જદ(યુ)એ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ વધુ પ્રબળ બનાવી દીધી છે. વિપક્ષના કાર્યકરોએ મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ સાથે મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની પાસે દેખાવો કર્યા હતાં. કાર્યકરોએ આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને રોકી લીધા હતાં અને તેમના પૈકી કેટલાકની અટકાયત કરી હતી.