રાહુલની યાત્રામાં પ્રિયંકાની ગેરહાજરી : અણબનાવના અણસાર

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
રાહુલની યાત્રામાં પ્રિયંકાની ગેરહાજરી : અણબનાવના અણસાર 1 - image


- લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ

- રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી, પરંતુ પ્રિયંકા ગાંધી વાડ્રા યાત્રામાં જોડાવાના બદલે હોસ્પિટલમાં દાખલ થઈ ગયાં 

લખનઉ: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને કોઈપણ સમયે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરશે તેવી અટકળો સેવાઈ રહી છે. આવા સમયે પીએમ મોદી સામે લડવા માટે રચાયેલા 'ઈન્ડિયા' ગઠબંધન અને ઘણે અંશે કોંગ્રેસ માટે 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ ઊભી થઈ છે. નીતિશ કુમાર, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ ગઠબંધન છોડી ગયા છે. વરિષ્ઠ નેતાઓ પણ પક્ષનો સાથ છોડી રહ્યા છે. આવા સમયે હવે કોંગ્રેસની અંદર હાઈકમાન્ડમાં જ ઘર્ષણના અહેવાલોથી કોંગ્રેસી કાર્યકરો દિગ્મુઢ થઈ ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે અણબનાવની અટકળો મીડિયામાં ચાલી રહી છે ત્યારે રાહુલ ગાંધીની 'ન્યાય યાત્રા'માં પ્રિયંકાની ગેરહાજરીએ 'બળતામાં ઘી હોમવા'નું કામ કર્યું છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે કોંગ્રેસે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 'ભારત જોડો યાત્રા'ને અભૂતપૂર્વ સફળતા મળ્યા પછી ફરી એક વખત રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી મુંબઈ 'ભારત જોડો ન્યાય યાત્રા'નું આયોજન કર્યું છે. આ ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. આ સમયે  રાહુલ ગાંધીને આવકારવા માટે પ્રિયંકા ગાંધી હાજર રહ્યા નહોતા. આ મુદ્દો કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાહુલ ગાંધીએ મણિપુરથી ન્યાય યાત્રા શરૂ કરી ત્યારે પણ પ્રિયંકા ગાંધી વાડ્રા યાત્રામાં જોડાયા નહોતા. જોકે, તેમણે ઉત્તર પ્રદેશમાં પહેલા જ દિવસે રાહુલની ન્યાય યાત્રામાં જોડાવાનું એલાન કરેલું પણ છેલ્લી ઘડીએ તેઓ બિમારીનું બહાનું કરીને ખસી ગયાં છે. 

પ્રિયંકાએ પોતે બિમારીના કારણે હોસ્પિટલમાં ભરતી હોવાથી યાત્રામાં હાજર નહીં રહી શકે એવી સ્પષ્ટતા કરી છે અને રાહુલ સહિતના યાત્રીઓને શુભેચ્છા પાઠવી છે.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા શુક્રવારે સાંજે ચંદૌલી મારફત ઉત્તર પ્રદેશમાં પ્રવેશે તે પહેલાં જ પ્રિયંકાએ 'એક્સ' પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, 'હું ખૂબ જ આતુરતાપૂર્વક ઉત્તર પ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી, પરંતુ બીમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડયું છે. મારું સ્વાસ્થ્ય સારું થતા જ હું યાત્રા સાથે જોડાઈ જઈશ. ત્યાં સુધી ચંદૌલી-બનારસ પહોંચેલા બધા જ યાત્રીઓ, પૂરી મહેનતથી યાત્રાની તૈયારીમાં લાગેલા ઉત્તર પ્રદેશના મારા સહયોગીઓ અને પ્રિય ભાઈને શુભેચ્છા પાઠવું છું.' જોકે, કોંગ્રેસના નેતાઓને પ્રિયંકાની અચાનક બિમારીની વાત ગળે ઉતરી નથી.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ૧૬ ફેબુ્રઆરીને શુક્રવારથી ૨૧ ફેબુ્રઆરીને બુધવાર સુધી અને ૨૪થી ૨૫ ફેબુ્રઆરી સુધી ઉત્તર પ્રદેશમાં ફરશે. ૨૨ અને ૨૩ ફેબુ્રઆરીએ યાત્રામાં બે દિવસનો વિરામ રહેશે તેમ કોંગ્રેસનું કહેવું છે.

ન્યાય યાત્રામાં પ્રિયંકાની ગેરહાજરી વચ્ચે ભાઈ-બહેન વચ્ચે અણબનાવ હોવાની વાતો પણ કોંગ્રેસમાં અંદરખાને ચર્ચાઈ રહી છે. પક્ષ પર પ્રભુત્વના મુદ્દે રાહુલ અને પ્રિયંકા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે એવી અફવાઓના સમયમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની અત્યંત નજીક મનાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પ્રિયંકા પક્ષના વરિષ્ઠ નેતાઓના આ પગલાંથી નારાજ હોવાનું મનાય છે. આચાર્ય પ્રમોદ પ્રિયંકાના ઈશારે હિંદુત્વની વાતો કરતા હતા અને તેમને સસ્પેન્ડ નહીં કરવા પ્રિયંકાએ ભરપૂર પ્રયત્નો કર્યા પરંતુ સેક્યુલર નેતાઓના ઈશારે તેમને દરવાજો બતાવી દેવાયો હોવાનું કોંગ્રેસની અંદર ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે આચાર્ય પ્રમોદ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં રાહુલ ગાંધીની જગ્યાએ હવે પ્રિયંકા ગાંધીને નેતૃત્વ સોંપવાની ભલામણ કરતા આવ્યા છે.

'ન્યાય યાત્રા'માં પ્રિયંકાની ગેરહાજરીનો લાભ ઉઠાવતા ભાજપે પણ ભાઈ-બહેન વચ્ચે અણબનાવ ચાલતો હોવાની અફવાઓને જોર આપ્યું છે. ભાજપના નેતા અમિત માલવિયે કહ્યું હતું કે, 'બધા જ લોકોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. જોકે, યાત્રા ૨.૦ શરૂ થઈ ત્યારે પણ પ્રિયંકા વાડ્રા તેનાથી દૂર રહ્યા હતા અને આજે રાહુલની યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી છે ત્યારે પણ પ્રિયંકા ત્યાં નથી. ભાઈ-બહેન વચ્ચે પક્ષ પર પ્રભુત્વ મેળવવા માટેની લડાઈ હવે અજાણી રહી નથી.'


Google NewsGoogle News