બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવી લો સંસદમાં પ્રિયંકાની કેન્દ્રને વિનંતી
- પ્રિયંકા પેલેસ્ટાઇન લખેલી બેગ સાથે સંસદ પહોંચ્યા
- 1971ના વિજય દિવસ નિમિત્તે જ પાક. સૈન્યના ભારત સામે સરેન્ડરની તસવીર કેમ હટાવાઇ : પ્રિયંકા
નવી દિલ્હી : ઇંદિરા ગાંધીના શાસન સમયે ભારતે પાકિસ્તાનના બે ભાગ પાડીને ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના કરી હતી, બાંગ્લાદેશના સ્વતંત્રતા દિન, ભારતનો વિજય દિવસ અને ઇંદિરા ગાંધીને યાદ કરીને પ્રિયંકા ગાંધીએ હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારને લઇને કેન્દ્ર સરકારને ઘેરી હતી. સંસદમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આજે વિજય દિવસ છે, આ જ દિવસે આપણે પાક.ને પાઠ ભણાવ્યો હતો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. દેશના બહાદુર જવાનો અને ઇંદિરા ગાંધીની સરકારે આ કરી બતાવ્યું હતું.
પ્રિયંકા ગાંધીએ હાલની મોદી સરકારને અપીલ કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારોને રોકવા માટે કડક પગલા લેવામાં આવે. લોકસભામાં પોતાના બીજા ભાષણમાં પ્રિયંકાએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતિ (હિન્દુઓ અને અન્ય બિનમુસ્લિમો) પર જે અત્યાચાર થઇ રહ્યો છે તેને લઇને ભારત સરકારે અવાજ ઉઠાવવો જોઇએ. ત્યાંના પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓની સાથે વાત કરવી જોઇએ.
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ૧૬મી ડિસેમ્બરે ૧૯૭૧ના ભારત વિજય દિવસની ઉજવણી સમયે જ સૈન્યના હેડક્વાર્ટર્સ પરથી ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તાની સૈન્યએ સરેન્ડર કર્યું તે તસવીર હટાવી લેવામાં આવી.
વાયનાડના સાંસદ પ્રિયંકાએ કહ્યું હતું કે મોદી સરકારે તાત્કાલીક પાકિસ્તાની સૈન્યના આ સરેન્ડરની તસવીરને સૈન્ય હેડક્વાર્ટર્સ પર પરત લગાવવી જોઇએ. અન્ય પૂર્વ સૈન્ય અધિકારીઓએ પણ આ પેઇન્ટિંગને હટાવવાની ટિકા કરી હતી, વિવાદ વચ્ચે સૈન્યએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ પેઇન્ટિંગને ફિલ્ડ માર્શલ સામ માણેકશોના માનમાં બનાવાયેલા સેન્ટરમાં મુકવામાં આવી છે. દરમિયાન પ્રિયંકા ગાંધી સંસદમાં એક બેગ લઇને ગયા હતા, આ બેગ પર પેલેસ્ટાઇન લખેલુ હોવાથી ભાજપે તેમના પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકાની પેલેસ્ટાઇન લખેલી બેગ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.