PM મોદી અને ટ્રમ્પ તો મિત્ર છે તો પછી..', અમેરિકાથી ભારતીય પ્રવાસીઓની વાપસી મુદ્દે પ્રિયંકા ગાંધીનો કટાક્ષ -
Priyanka Gandhi On USA Deportation: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ આ મુદ્દા દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ડિપોર્ટેશનના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પણ દેખાવ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બુધવારે યુએસ આર્મીનું વિમાન આ ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું હતું. કોંગ્રેસનો દાવો છે કે અમેરિકાથી મોકલવામાં આવેલા લોકોના હાથ-પગમાં હાથકડી બાંધેલી હતી.
વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ, કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદમાં હાથકડી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી
બીજી તરફ આ ઘટના પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, 'ઘણી વાતો કહેવામાં આવી હતી કે પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી ખૂબ સારા મિત્રો છે. તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું? શું આપણે તેમને પાછા લાવવા માટે આપણું પોતાનું વિમાન ન મોકલી શકતા હતા? શું માનવીઓ સાથે આવો વ્યવહાર કરી શકાય? શું તેમને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને પરત મોકલવામાં આવે છે? વિદેશ મંત્રી અને વડાપ્રધાને જવાબ આપવો જોઈએ.'
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે, એજન્ટો પર તવાઈઃ જયશંકર
આ ભારતનું અપમાન છે
બીજી તરફ આ ઘટના પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, 'જે રીતે આ કરવામાં આવ્યું તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમની પાસે આ લોકોને દેશનિકાલ કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે, પરંતુ અચાનક લશ્કરી વિમાનમાં હાથકડી પહેરાવીને આ રીતે મોકલવા એ ભારતનું અપમાન છે, ભારતીયોની ગરિમાનું અપમાન છે'.