'અરે, તમે ગાલ વિશે તો વાત જ ન કરી...' રમેશ બિધૂડીના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ મૌન તોડ્યું
Delhi Assembly Election: ભારતીય જનતા પાર્ટી(BJP)ના ભૂતપૂર્વ સાંસદ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠકના ઉમેદવાર રમેશ બિધૂડી દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મૌન તોડ્યું છે. કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીએ રમેશ બિધૂડી પર કટાક્ષ કરતાં કહ્યું કે, આ તમામ વાહિયાત વાતો છે. તેમણે દિલ્હી ચૂંટણીમાં વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.
પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં રમેશ બિધૂડીના નિવેદનનો ટૂંકમાં જવાબ આપ્યો હતો કે, ‘આ એક વાહિયાત નિવેદન છે. પછી હસતાં હસતાં કોંગ્રેસી નેતાએ ટોણો માર્યો હતો કે, તમે મારા ગાલની વાત ન કરી. દિલ્હીમાં ચૂંટણી છે, અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.'
‘પ્રિયંકાના ગાલ જેવા રસ્તાઓ બનાવીશ’
કાલકાજી બેઠક પરથી ઉમેદવાર તરીકે ટિકિટ મેળવ્યાના એક દિવસ બાદ બિધૂડીએ નિવેદન આપ્યું હતું કે, ‘હું કાલકાજીમાં પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તાઓ બનાવીશ.’ આ નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
બિધૂડીએ દિલગીરી વ્યક્ત કરી
વિવાદ વધતાં બિધૂડીએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે મારો ઇરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો, પરંતુ જો કોઈને દુઃખ થયું હોય તો હું દિલગીર છું. જો કે, અફસોસ વ્યક્ત કર્યાના થોડા સમય પછી, બિધૂડીએ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે હવે આમ આદમી પાર્ટી પણ તેમના પર પ્રહારો કરી રહી છે.