Get The App

વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી : પ્રિયંકા ગાંધીનો રોડ શૉ, દિગ્ગજોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી : પ્રિયંકા ગાંધીનો રોડ શૉ, દિગ્ગજોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી 1 - image


Priyanka Gandhi Wayanad Nomination: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળના વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન પ્રિયંકાની સાથે તેમની માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હતા. નોમિનેશન ફાઈલ કરતી વખતે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર પણ તેમની સાથે હતા. આ પહેલા પ્રિયંકાએ એક રોડ શો અને જનસભાને સંબોધિત કરી હતી.

રાહુલે બેઠક ખાલી કરી હતી 

રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે લોકસભા બેઠકોમાંથી વાયનાડની બેઠક ખાલી કર્યા બાદ હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈને આ બેઠક ફરી હોટ સીટ બની ગઈ છે. હવે આ બેઠક પર તેમની બહેન પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરતાં આજે કોંગ્રેસ તરફથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી, રોબર્ટ વાડરા સહિત અનેક દિગ્ગજોની હાજરી જોવા મળી. 

પ્રિયંકા સામે ભાજપ એકજૂટ 

2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પરથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ અમેઠીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વાયનાડ સીટ ખાલી પડી અને ભાજપએ વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક. પૂર્ણ કર્યું છે. હાલ તેઓ કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહા સચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે.

મતદાન ક્યારે થશે?

15 ઓક્ટોબરે ચૂંટણી પંચે 48 વિધાનસભા મતવિસ્તાર અને બે સંસદીય બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે આ પેટાચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થશે, જેમાં કેરળની 47 વિધાનસભા સીટ અને વાયનાડ લોકસભા સીટનો સમાવેશ થાય છે. 

વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી : પ્રિયંકા ગાંધીનો રોડ શૉ, દિગ્ગજોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી 2 - image



Google NewsGoogle News