પ્રિયંકાના ચૂંટણી ન લડવા, રાહુલ બે બેઠક, ભાજપ અને કોંગ્રેસ જેવા મુદ્દાઓ પર શું શું બોલ્યા ખડગે, જાણો
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી વચ્ચે એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પહેલીવાર રાયબરેલીથી ચૂંટણી લડીને પોતાની રાજકીય સફર શરૂ કરશે. જો કે, જ્યારે રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી ત્યારે આ પ્રકારના દાવાને રદીયો મળી ગયો. હવે સવાલ એ છે કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ન ઉતારવાનો નિર્ણય કોનો હતો? હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે મૌન તોડ્યું છે.
પ્રિયંકા ગાંધીની ઉમેદવારી વિશે શું બોલ્યાં ખડગે?
એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, 'આ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો નિર્ણય હતો. જોકે, ખડગેએ પ્રિયંકા ગાંધીના ચૂંટણી ન લડવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યું છે. ખડગેએ કહ્યું કે સોનિયા ગાંધી 30 વર્ષથી રાજકારણમાં છે અને તેઓ જાણે છે કે કોણે ક્યાંથી ચૂંટણી લડવી જોઈએ.
પ્રિયંકા અમારા સ્ટાર પ્રચારક
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, 'રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા પણ અમારા સ્ટાર પ્રચારક છે, કારણ કે સોનિયા ગાંધીજીની તબિયત સારી નથી. તેમની માંગ છે અને હજારો લોકો તેમને સાંભળવા આવે છે. રાહુલ અને પ્રિયંકા બંને અમારી સંપત્તિ છે અને જો આપણે આપણી બધી સંપત્તિનું એક જગ્યાએ રોકાણ કરીશું તો બીજાનું શું થશે? કારણ કે તેમણે પણ બીજાને મદદ કરવી પડશે. તેમણે જે પણ નિર્ણય લીધો છે, અમે તેને આવકારીએ છીએ.
રાહુલ કઈ સીટ છોડશે?
ખડગેએ પ્રિયંકા ગાંધી વાડ્રાને સ્ટાર પ્રચારક ગણાવ્યા અને ચૂંટણી ન લડવાના તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. જ્યારે રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવ્યું કે જો તેઓ વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતે તો કઈ સીટ છોડવી જોઈએ, તેમણે કહ્યું કે આ તેમની વ્યક્તિગત પસંદગી છે. તેમણે કહ્યું, 'અમે ઓછી બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ ગઠબંધનના ભાગીદારોને સાથે રાખવા માટે કરવામાં આવી રહ્યું છે અને તેથી જ અમે આ સમજૂતી કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ 328 સીટો પર ચૂંટણી લડી રહી છે, જે અત્યાર સુધીની સૌથી ઓછી છે.
કોંગ્રેસ જાણી જોઈને ઓછી બેઠકો પર ચૂંટણી લડી રહી છે
ખડગેએ કહ્યું કે કોંગ્રેસે આ લોકસભા ચૂંટણીમાં જાણી જોઈને ઓછી સીટો પર ચૂંટણી લડી છે, જેથી I.N.D.I.A. ગઠબંધનને સાથે રાખી શકાય અને ભાજપને હરાવી શકાય. કોંગ્રેસ 328 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જે તેની અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે, તેણે I.N.D.I.A.ગઠબંધનમાં અન્ય સાથીઓ માટે 200 થી વધુ બેઠકો છોડી છે.
ભાજપ પોતે પુરાવા ઘઢી કાઢે છે અને પછી...
ખડગેએ સપાના અખિલેશ યાદવના એ નિવેદનનો પણ જવાબ આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે ઈડી, સીબીઆઈની કોઈ જરૂર નથી અને તેમના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે કહ્યું કે, 'જો અમારી સરકાર આવશે તો અમે તમામ કાયદાઓની સમીક્ષા કરીશું. લોકોને હેરાન કરવા માટે જે કંઈ પણ કરવામાં આવશે, અમે તેનો વિરોધ કરીશું. ભાજપે જે રીતે તપાસ એજન્સીઓના દુરુપયોગની પ્રક્રિયા અપનાવી છે તેવી કોઈએ અપનાવી નથી. તપાસ અને યોગ્ય તપાસ થવી જોઈએ પરંતુ ભાજપ પોતે પુરાવા ઘઢે છે અને કેસ બનાવી લોકોને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યો છે.