સંસદમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે પ્રિયંકા ગાંધી, કોંગ્રેસમાં પણ જોવા મળશે મોટા ફેરબદલ
Priyanka Gandhi In Parliament : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક પરની પેટાચૂંટણીમાં જીતી જતાં કોંગ્રેસ અને ગઠબંધનના નેતાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંજય રાઉતે પ્રિયંકાને શેરની કહ્યા છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રિયંકાની એન્ટ્રીથી પાર્ટીની ઉર્જા અને શક્તિમાં વધારો થયો હોવાનું કહ્યું છે. પ્રિયંકા સાંસદ બન્યા બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, સંસદમાં તેમની એન્ટ્રીથી કોંગ્રેસમાં શું ફેરફાર થશે?
2024માં વાયનાડ બેઠક ખૂબ ચર્ચામાં રહી
કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી-2024માં પ્રિયંકા ગાંધીની જીત થઈ છે. આ બેઠક પર 2009માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ 2019માં વાયનાડની ખૂબ ચર્ચાઓ થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીનો વિજય થયો હતો અને તેઓ સંસદ પહોંચ્યા હતા.
પછી 2024માં રાહુલ વાયનાડ અને રાયબરેલી બંને બેઠક પરથી જીત્યા હતા, ત્યારબાદ તેમણે બેમાંથી એક બેઠક એટલે કે વાયનાડ છોડવાનો નિર્ણય કર્યો છે. પછી રાહુલ ગાંધીએ વાયનાડની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી.
પ્રિયંકા પાંચ વર્ષ બાદ સંસદ પહોંચ્યા
પ્રિયંકા ગાંધીએ 2019માં રાજકારણમાં સક્રિય ભૂમિકા નભાવી હતી. તે વખતે તેમને સંગઠનમાં મોકલાયા હતા. પ્રિયંકા 2022 સુધી ઉત્તર પ્રદેશના પ્રભારી રહ્યા, પરંતુ તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ યુપીમાં દબદબો ઊભો કરી શકી ન હતી અને છેવટે તેમને ત્યાંથી હટાવી દેવાયા હતા. હાલ તેઓ ખડગેની ટીમમાં મહાસચિવ પદ પર છે. તેમને પાસે કોઈપણ રાજ્યનો પ્રભાર નથી. પ્રિયંકા પ્રથમ વખત સંસદના રાજકારણમાં આવ્યા છે. પ્રિયંકા અનેક મુદ્દાઓ પર બોલવામાં પાવરધા છે, તેઓ ઘણી વખત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જોવા મળ્યા છે. જેમ રાહુલ ગાંધીએ સંસદમાં અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા છે, તેમ પ્રિયંકા ગાંધી પણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક અંદાજમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો : UNની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6000 સૈનિકો તહેનાત કરનાર ભારતને ફરી સોંપી મોટી જવાબદારી
પ્રિયંકા સંસદમાં કોંગ્રેસની નબળી ભૂમિકાને કંટ્રોલ કરશે
સંસદની અંદર કોંગ્રેસનું માળખાગત સંચાલન છેલ્લા 10 વર્ષથી નબળું છે. કેન્દ્ર સરકાર જ્યારે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાનું બિલ લઈને આવી હતી, ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોએ જ પક્ષ બદલી નાખ્યો હતો. પ્રિયંકાના સંસદમાં આવવાથી તેમાં સુધારો થવાની ચર્ચા થઈ રહી છે. સંસદમાં તેમની હાજરીથી મોટા મુદ્દાઓ પર કોંગ્રેસની નવી રણનીતિ હેઠળ કેન્દ્ર સરકારને ઘેરી શકાશે. કોંગ્રેસ પાસે કુલ 99 સાંસદો હોવાથી સંસદમાં તેઓ વિપક્ષની ભૂમિકામાં છે. માળખાગત સંચાલન માટે પોતાના સાંસદોને પણ સાથે રાખવા ખૂબ જરૂરી છે. કોંગ્રેસ 2024ની ચૂંટણી બાદ યોજાયેલી અધ્યક્ષની ચૂંટણીમાં માળખાગત સંચાલન કરી શકી ન હતી. તે વખતે કોંગ્રેસના વલણથી તૃણમૂલ કોંગ્રેસ નારાજ થઈ હતી. ત્યારબાદ રાહુલે અભિષેક બેનરજી સાથે વાતચીત કરી મામલેને કંટ્રોલ કર્યો હતો.
વાયનાડ બેઠક કોંગ્રેસની ગઢ
ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક હતી. ત્યાં આ લોકસભા ચૂંટણીમાં તેમણે દાવ અજમાવ્યો અને તેનો દાવ સફળ પણ રહ્યો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે અમેઠી અને વાયનાડ બંને બેઠકોથી ચૂંટણી લડી હતી પરંતુ અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ તેમને હરાવ્યા હતા, જ્યારે વાયનાડની જનતાએ તેમને આશીર્વાદ આપતા સંસદ મોકલ્યા હતા. વર્ષ 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠકથી ચૂંટણી લડ્યા અને બંને પરથી જીત્યા હતા. બાદમાં તેમણે વિચાર વિમર્શ કરીને વાયનાડથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણીની સ્થિતિ બની ગઈ હતી. 23 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીમાં વાયનાડના લોકોએ ફરી કોંગ્રેસને પસંદ કરી છે અને પ્રિયંકા ગાંધીને જીતાડીને સંસદ મોકલ્યા છે.