પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં રાહુલનું સ્વાગત નહીં કરી શકે, તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ
પ્રિયંકા ગાંધીએ 'X' પર પોસ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી આપી
Priyanka Gandhi Hospitalized: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અચાનક તબિયત લથડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી રહેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રિયંકા ગાંધી જોડાઈ શકશે નહીં.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું-'હું ભારત જોડો ન્યાય યાત્રાની ઉત્તર પ્રદેશ પહોંચવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ ખરાબ તબિયતના કારણે મારે આજે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.તબિયત સારી થતા જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી, હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ પ્રવાસીઓને, મારા સહકર્મીઓ અને ઉત્તર પ્રદેશના પ્રિય ભાઈઓને શુભેચ્છા પાઠવું છું'
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' શુક્રવારે બિહારથી નૌબતપુર થઈને યુપીના ચંદૌલીમાં પ્રવેશ કરશે. ત્યારે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના ઉત્તર પ્રદેશ પ્રવાસનું સ્વાગત કરવાના હતા.
ઉત્તર પ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ શું છે?
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 16થી 21મી ફેબ્રુઆરી દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં અને પછી રાયબરેલી અને અમેઠીમાં કાઢવામાં આવશે. 22મી અને 23મી ફેબ્રુઆરીએ આરામ કરવામાં આવશે. ત્યારબાદ 24 અને 25મી ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યાત્રા ફરી શરૂ થશે.