વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
Wayanad Election Results: દેશની બે અત્યંત મહત્ત્વની લોકસભા બેઠક વાયનાડ અને નાંદેડ પર યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્ત્વની છે. વાયનાડ બેઠક પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 617942 મત મેળવીને ડાબેરી મોરચા (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસને હરાવ્યા છે.
ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે. હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે.
નોંધનીય છે કે આ જ બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં 3,64,422 મતોથી વિજયી થયા હતા. જયારે પ્રિયંકા ગાંધીએ 4,08,036 મતોથી લીડ મેળવી છે.
આ ચૂંટણી દ્વારા પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જો પ્રિયંકા ગાંધી આ ચૂંટણી જીતતા એવું પહેલીવાર બન્યું કે ગાંધી પરિવારના બધા જ સભ્યો એટલે કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ત્રણેય સંસદ સભ્ય બનશે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની આ પ્રથમ ચૂંટણી છે. વાયનાડ લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા બેઠક છે. તેમાં કોઝિકોડ જિલ્લામાં મનંતવડી (રિઝર્વ), સુલતાન બાથેરી (રિઝર્વ), કાલપેટ્ટા, તિરુવંબડી અને મલપ્પુરમ જિલ્લામાં નિલામ્બુર, ઈરાનાડ અને વાંદૂર બેઠકોનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીના રાજીનામા બાદ વાયનાડ બેઠક છોડતા યોજાઈ ચૂંટણી
રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. એપ્રિલ-મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાયબરેલી બેઠક જીત્યા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી હતી. જેના કારણે આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી.
કેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા?
વાયનાડમાં પ્રિયંકા સહિત 16 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ બેઠક પરથી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના ઉમેદવાર છે. જ્યારે તેની સામે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ની આગેવાની હેઠળના ડાબેરી લોકશાહી મોરચાના ઉમેદવાર સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ના ઉમેદવાર નવ્યા હરિદાસ છે.
ભાજપ નવ્યા હરિદાસને હરાવીને પ્રિયંકાની જીત
ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી હતી. તેઓ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ છે. તેમજ કોઝિકોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર અને બીજેપી કાઉન્સિલર પાર્ટીના નેતા પણ રહ્યા છે. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં કોઝિકોડ દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જો કે તે હારી ગયા હતા.
આ વખતે વાયનાડમાં લગભગ 65 ટકા મતદાન થયું છે. એપ્રિલમાં જ્યારે રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 74 ટકા મતદાન થયું હતું. તે જ સમયે, 2019 લોકસભા ચૂંટણીમાં, અહીં 80 ટકાથી વધુ મતદાન થયું હતું.