Get The App

VIDEO: પ્રિયંકા ગાંધીએ વારાણસીથી ચૂંટણી લડી હોત તો મોદી બે-ત્રણ લાખ મતથી હારી જાતઃ રાહુલ ગાંધી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
VIDEO: પ્રિયંકા ગાંધીએ વારાણસીથી ચૂંટણી લડી હોત તો મોદી બે-ત્રણ લાખ મતથી હારી જાતઃ રાહુલ ગાંધી 1 - image


Rahul Gandhi Attack On PM Narendra Modi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભા ચૂંટણી પરિણામોને લઈને એક મોટો દાવો કર્યો છે. રાયબરેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ‘જો મારી બહેન પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વારાણસી બેઠક (Varanasi Seat) પરથી ચૂંટણી લડી હોત, તો તે વડાપ્રધાન મોદીને બે-ત્રણ લાખ મતથી હરાવી દેત. આ વાત હું અહંકારમાં નથી કહેતો, પરંતુ એટલે કહું છું કે વડાપ્રધાનને દેશની પ્રજાએ સંદેશ આપી દીધો છે કે તમારું રાજકારણ અમને પસંદ નથી અને અમે તેની વિરુદ્ધ છીએ. અમે નફરત અને હિંસાની વિરુદ્ધ છીએ.’

વારાણસીમાં નરેન્દ્ર મોદી - અજય રાય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં વર્ષ 2014 બાદ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ભાજપે રાજ્યની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 33 બેઠકો જીતી છે. પાર્ટીએ રાજ્યમાં 2014માં 71 બેઠકો, જ્યારે 2019માં 62 બેઠકો જીતી હતી. લોકસભા ચૂંટણી-2024માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં 37 બેઠકો જીતનાર સમાજવાદી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. જ્યારે કોંગ્રેસે 6, આરએલડીએ બે, એએસપીકેઆરએ એક અને એડીએએલએ એક બેઠક જીતી છે. રાજ્યની વારાણસી સૌથી મહત્વની બેઠક હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર અજય રાય (Ajay Rai) ચૂંટણી મેદાનમાં હતા. જ્યારે આ બેઠકના પરિણામો સામે આવ્યા ત્યારે મોદી અજય રાય કરતા ઘણા પાછળ ચાલી રહ્યા હતા, જોકે છેવટે વડાપ્રધાને દોઢ લાખ મતથી જીત મેળવી હતી.

રાહુલ ગાંધીએ જનતાનો આભાર માન્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને જીતાડવા બદલ હું કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ, સભ્યો, કાર્યકર્તાઓ અને અમેઠી તેમજ રાયબરેલીના પ્રજાનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં અમેઠી, રાયબરેલી, ઉત્તર પ્રદેશ અને દેશભરમાં એક થઈને લડી. હું સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ને કહેવા માંગું છું કે, તમારા નેતાઓએ કોંગ્રેસ નેતાઓની સાથે મળી ચૂંટણી લડી. તમે અમેઠીમાં કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ શર્માને, રાયબરેલીમાં મને અને ઉત્તર પ્રદેશમાં ઈન્ડિ ગઠબંધનના સાંસદોને જીતાડ્યા. તમે દેશભરનું રાજકારણ બદલી નાખ્યું. 

‘જો તમે બંધારણને હાથ લગાવશો તો...’

તેમણે વધુમાં કહ્યું કે, પ્રજાએ વડાપ્રધાનને સંદેશ આપ્યો છે કે, જો તમે બંધારણને હાથ લગાવશો તો જુઓ લોકો તમારી શું હાલત કરી નાખશે. તેમણે લોકોને કહ્યું કે, તમે ફોટો જોયો હશે કે, વડાપ્રધાને બંધારણને પોતાના માથા પર લગાવીને રાખ્યું છે. આ દેશની પ્રજાએ કરાવ્યું છે. દેશની જનતાએ વડાપ્રધાનને સંદેશો આપ્યો છે કે, જો તેઓ બંધારણ સાથે ખિલવાડ કરશે તો સારુ નહીં થાય. 

ભાજપે સાથી પક્ષોના સહારે બનાવી સરકાર

ઉલ્લેખનીય છે કે, દેશમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી લીધું છે. લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Election Result 2024)માં BJPએ 240 બેઠકો જીતી છે, જ્યારે તેમની આગેવાની હેઠળ NDAએ 293 બેઠકો પર જીત મેળવી છે. વર્ષ 2014ની ચૂંટણી ભાજપે 282 અને 2019માં 303 બેઠકો જીતી પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી હતી, જોકે આ વખતે ગણિત બદલાઈ ગયું છે. ભાજપે બહુમતીના 272 જાદુઈ આંકડાથી થોડે દુર 240 બેઠકો જીતી હોવાથી તેણે તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાથી પક્ષોને સહારે સરકાર બનાવી છે. ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance)ની વાત કરીએ તો આ વખતે કોંગ્રેસે (Congress) 99 બેઠકો જીતી છે, જ્યારે તેના સાથી પક્ષ સમાજવાદી પાર્ટી (SP)એ 37, તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ 29, DMKએ 22, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવ સેના યુબીટીએ 9, શરદ પવાર પાર્ટી એનસીપીએ 8, રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને સીપીએમએ ચાર-ચાર, IUML, AAP, JMMએ ત્રણ-ત્રણ, CPI(ML)(L), JKNC, CPI, VCK એ બે-બે, RSP, RLP, KC, MDMKS અને BADVPએ એક બેઠક જીતી હતી.


Google NewsGoogle News