પ્રિયંકા ગાંધી ઉપર ચૂંટણી આચારસંહિતા ભંગનો આક્ષેપ : પ્રવચનોમાં યોજનાઓ જાહેર કરી : ભાજપ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
પ્રિયંકા ગાંધી ઉપર ચૂંટણી આચારસંહિતા ભંગનો આક્ષેપ : પ્રવચનોમાં યોજનાઓ જાહેર કરી : ભાજપ 1 - image


- મ.પ્ર.માં 17 નવે. યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ઘણા પક્ષોએ ઝૂંકાવ્યું છે પરંતુ ખરી ટક્કર ભાજપ વિ. કોંગ્રેસ વચ્ચે થવાની છે

નવી દિલ્હી, ભોપાલ : મ.પ્ર.માં ૧૭મી નવેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી અંગે દરેક પક્ષોએ કમર કસી છે, પરંતુ ખરી ટક્કર તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ થવાની છે. બંને પક્ષોના નેતાઓએ રેલીઓ યોજી હતી.

જેમ જેમ ચૂંટણી તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ એક બીજા ઉપર હુમલાઓ વધારતા જાય છે. ભાજપે કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર ચૂંટણી આચાર સંહિતાના ભંગનો આક્ષેપ કર્યો છે, અને તેઓની સામે પગલાં લેવા ચૂંટણીપંચને અનુરોધ કર્યો છે.

ભાજપની ફરિયાદ છે કે પ્રિયંકા ગાંધીએ મંડલા જિલ્લામાં એક રેલીને સંબોધન કરતાં 'છાત્ર-વૃત્તિ' યોજનાનું વચન આપી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ૧૨, ઓક્ટોબરે મંડલા જિલ્લામાં એક જાહેરસભામાં આપેલા પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે ધોરણ- ૧ થી ૧૨ સુધી દરેક વિદ્યાર્થીને દર મહિને ૫૦૦ થી ૧૫૦૦ રૃા. સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ગુરૂવારે તેઓએ વિદ્યાર્થીઓ માટે ૬૪૮.૮૦ કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ માટે ફાળવવાની જાહેરાત કરી હતી.

ભાજપની લીગલ સેલ પૂર્વે સંભાળતા વકીલ પંકજ વાઘવાણીએ તે સંબંધે જણાવ્યું હતું કે તેમણે પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે મતદારોને પ્રભાવિત કરવા ૧૨મી ઓક્ટોબરે પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશનાં મંડલામાં આવી લોભામણી જાહેરાતો કરી હતી. જે આચારસંહિતાના ભંગ સમાન છે. ચૂંટણીપંચે હવે તે અંગે તપાસ શરૂ કરી દીધી છે.

ચૂંટણીપંચે કરેલી જાહેરાત પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ ૭ નવેમ્બરથી શરૂ થશે. મિઝોરમમાં ૭ નવેમ્બરે, છત્તીસગઢમાં ૭ અને ૧૭ નવેમ્બરે, મ.પ્ર.માં ૨૩૦ સીટો માટે ૧૭ નવેમ્બરે, રાજસ્થાન ૨૫ નવેમ્બર અને તેલંગાણામાં ૩૦ નવેમ્બરે મતદાન યોજાશે. તમામ રાજ્યોમાં ચૂંટણી પરિણામો ૩જી ડીસેમ્બરે પ્રસિદ્ધ કરાશે.


Google NewsGoogle News