‘બાંગ્લાદેશના હિન્દુઓને બચાવો...’ પ્રિયંકા ગાંધીએ દાદી ઇન્દિરાના કાર્યોને યાદ કરી મોદી સરકાર પર કર્યા પ્રહાર
Priyanka Gandhi Attack On PM Narendra Modi Government : વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે, ત્યારે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને પડોશી દેશોમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ સહિત અન્ય લઘુમતીઓને બચાવવાની અપીલ કરી છે.
‘ઇન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે વિજય દિવસ છે. 1971માં ભારતે યુદ્ધ કરી પાકિસ્તાન(1971 India-Pakistan War)ને ભોંય ભેગું કર્યું હતું, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. આ યુદ્ધને ઇન્દિરા ગાંધીની નિર્ણાયક સરકાર અને બહાદુર સૈનિકોએ અંજામ આપ્યો હતો. પ્રિયંકાએ ઇન્દિરા ગાંધીની ઇચ્છા શક્તિનો ઉલ્લેખ કરી મોદી સરકારને અપીલ કરી છે કે, ‘તમે પણ તેમની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો.’
સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા જોઈએ : પ્રિયંકા ગાંધી
તેમણે લોકસભામાં સોમવારે કહ્યું કે, ‘મોદી સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. 1971ના જે બહાદુરો અને શહિદોએ યુદ્ધ લડ્યું હતું હું તેઓને નમન કરું છું. હું દેશની જનતાને પણ નમન કરું છું. કારણ કે તેમના વગર પાકિસ્તાન સામે વિજય મેળવવો અસંભવ હતો. તે વખતે આપણે એકલા હતા અને બંગાળી ભાઈ-બહેનોનો અવાજ કોઈ સાંભળતું ન હતું. તે સમયે ભારતની જનતા સાથે આવી અને નેતૃત્વ સાથે ઊભી રહી.’
‘ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશનો વિજય થયો’
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ઇન્દિરા ગાંધીને નમન કરવા ઇચ્છું છું. તેઓ આ દેશના મહાન શહીદ છે. તેમણે પડકારજનક સ્થિતિમાં આવું નેતૃત્વ કરી દેખાડ્યું, જેના કારણે તે દેશનો વિજય થયો. એ લડાઈ સિદ્ધાંતોની હતી. મારો પહેલો મુદ્દો એ છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ અત્યાચાર થઈ રહ્યા છે, તેની સામે મોદી સરકારે અવાજ ઉઠાવવો જોઈએ. સરકારે ત્યાં પીડિત હિન્દુઓ અને ખ્રિસ્તીઓનો મુદ્દો ઉઠાવવો જોઈએ.
‘ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ની તસવીર ઉતારી દેવાઈ’
તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ‘1971માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરીને બાંગ્લાદેશનો વિજય અપાવ્યો હતો. તે વખતે પાકિસ્તાનના 93000 સૈનિકોએ ભારત સામે ઘૂંટણીએ પડી આત્મસમર્પણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાની તાકાત સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ત્યારે ભારતીય સૈન્ય મથકમાંથી ‘પાકિસ્તાનની શરણાગતિ’ની તસવીર ઉતારી દેવાઈ છે. આજે પણ પાકિસ્તાન તે શરણાગતિની તસવીર જોઈને ચિડાઈ જાય છે.