'મારો ભાઈ હિંદુઓનું અપમાન ન કરી શકે...', પ્રિયંકાએ કર્યો રાહુલ ગાંધીનો બચાવ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
Raul Gandhi Priyanka Gandhi


Rahul Gandhi Controversy: સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા શરૂ કરી અને બંધારણના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાના હાથમાં બંધારણની નકલ સાથે ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું જેનાથી હોબાળો મચી ગયો. તેના પર વડાપ્રધાન મોદીએ ઊભા થઈને વિરોધ કર્યો અને કહ્યું કે, 'સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.' બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મારો ભાઈ હિંદુઓનું અપમાન ન કરી શકે. તેમણે જે પણ કહ્યું તે ભાજપ માટે કહ્યું, હિંદુ સમાજ માટે નહીં.'

પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના બચાવ કર્યો 

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. પ્રિયંકા ગાંધીને સંસદની બહાર આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'મારો ભાઈ ક્યારેય હિંદુઓનું અપમાન કરી શકે નહીં. તેમણે ભાજપ વિશે વાત કરી છે. તેમણે ભાજપના નેતાઓ વિશે વાત કરી છે.'

રાહુલ ગાંધીએ શું કહ્યું?

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'મોદીજીએ એક દિવસ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી. તેનું કારણ ભારત અહિંસાનો દેશ છે, તેઓ ડરતા નથી. આપણા મહાપુરુષોએ આ સંદેશ આપ્યો હતો, ડરશો નહીં. શિવજી કહે છે, ડરશો નહીં, ડરશો નહીં અને ત્રિશૂળને જમીનમાં દાટી દો. બીજી બાજુ, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા-હિંસા...દ્વેષ-દ્વેષ-દ્વેષમાં વ્યસ્ત રહે છે. તમે બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનું સમર્થન કરવું જોઈએ.'

પીએમ મોદીએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો

રાહુલ ગાંધીના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી પોતાની ખુરશી પરથી ઊભા થયા અને તેને ગંભીર મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, 'સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.' તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી અને ભાજપ આખો હિંદુ સમાજ નથી.'

દેશ સમક્ષ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વિપક્ષના નેતાએ જે કહ્યુ છે તેના પર એમને માફી માંગવી જોઈએ. આ ધર્મને કરોડો લોકો ગર્વથી હિંદુ કહે છે. હું તેમને વિનંતી કરુ છું કે, તેઓ ઈસ્લામમાં પહેલા અભવ મુદ્રા પર ઈસ્લામિક વિદ્વાનોની સલાહ લે. શાહે કહ્યું કે, રાહુલ માને છે કે દેશના કરોડો હિંદુ હિંસક છે? શું વિરોધ પક્ષના નેતા માફી માગશે? હિંસાને કોઈ ધર્મ સાથે જોડવું ખોટુ છે. દેશ સમક્ષ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. 


Google NewsGoogle News