દિગ્ગજ પૂર્વ મુખ્યમંત્રીનું દર્દ છલકાયું, કહ્યું - કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન
Former CM Prithviraj Chavan: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બનાવવા જઈ રહી છે, કોંગ્રેસે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસમાં વિખવાદ શરૂ થઈ ગયો છે, આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે, અમારી પાર્ટીની હાર ચોંકાવનારી હતી અને તેમણે પાર્ટીની આ હારને રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન ગણાવ્યું છે.
ચવ્હાણે આગળ કહ્યું કે, મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની મહાયુતિ સરકારની લાડકી બહેન યોજનાએ ગ્રામીણ વિસ્તારોમાં મતદારોને આકર્ષ્યા હતા, જ્યારે ધ્રુવીકરણે રાજ્યના શહેરી ભાગોમાં વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) ની સંભાવનાઓને પ્રભાવિત કરી હતી. કરાડ દક્ષિણ બેઠક પરથી હારી ગયેલા ચવ્હાણે કહ્યું કે 'એ કહેવું મુશ્કેલ છે કે, કોઈ લહેર હતી કે, છેડછાડ થઈ હતી.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિના 'મહાવિજય' પાછળના પાંચ મોટા કારણો, જાણો કયા કયા
બીજી તરફ આ પહેલા તેમણે કોંગ્રેસની લીડરશીપ પર નિશાન સાધ્યું હતું. ચ્વહાણે કોંગ્રેસ પર નિશાન સાધતા મહારાષ્ટ્રમાં હારના કારણો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી લીડરશીપ ખૂબ જ ખરાબ હતી, અને એ પણ અમારી હારનું એક કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો: નિષ્ણાંતો પણ અચંબામાં, કોંગ્રેસે જે લોકસભા બેઠક જીતી ત્યાંની 6 વિધાનસભા બેઠક હારી ગઇ
MVAના અનેક દિગ્ગજો ચૂંટણીમાં હાર્યા
તમને જણાવી દઈએ કે, ચવ્હાણ સહિત MVAના ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ જેણે MVA ના ભાગ રૂપે 101 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેણે માત્ર 16 બેઠકો પર જીત હાંસલ કરવામાં સફળ થઈને પોતાની સૌથી ખરાબ હાર નોંધાવી છે.